અમદાવાદઃ અમદાવાદમાં કોરોના બાદ વધુ એક રોગચાળાએ માઝા મુકી છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની ગતિમાં ઘટાડો થયો છે અને એક તબક્કે એપ્રિલમાં જ્યાં દરરોજના ૧૪ હજારથી વધુ કેસ નોંધાતા હતા ત્યાં હવે સપ્ટેમ્બરમાં હજુ સુધી કુલ ૩૯૨ કેસ સામે આવ્યા છે. એક સમયે કોરોનાનું એપી સેન્ટર રહેલા અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ દાખલ થયેલા દર્દીઓમાંથી ૩૦% ડેન્ગ્યુ-ચિકનગુનિયાના છે અને આ પૈકી ૧૫% તો આઇસીયુમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં ગત સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના ૪૨૩ અને ચિકનગુનિયાના ૯૨૩ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના ૧૧૫૦થી વધુ જ્યારે ચિકનગુનિયાના ૬૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુમાં ચાર ગણો અને ચિકનગુનિયામાં બે ગણો વધારો થયો છે. ગત સમગ્ર વર્ષે મલેરિયાના ૪૩૬ કેસ હતા જ્યારે આ વર્ષે ૬૨૫થી વધુ લોકો મલેરિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ફાલ્સિપેરમના ૩૫ કેસ હતા અને તે આ વર્ષે વધીને ૫૩ થયા છે જ્યારે ટાઇફોઇડના કેસ ગત વર્ષે ૯૬૫ હતા તે આ વર્ષે વધીને ૧૪૬૪ સામે આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ૩૦%નો વધારો નોંધાયો છે.
જનરલ પ્રેક્ટિસનરોના મતે, 'આ વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધારે નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત અનેક દર્દી વાયરલ ફિવરની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. પ્લેટલેટ્સમાં ભારે ઘટાડો થવો તે ડેન્ગ્યુની મહત્વની નિશાની છે. કોઇ દર્દી એક દિવસ કરતાં વધુથી તાવ અને શરીરમાં કળતરની ફરિયાદ સાથે આવે તો તેને અમે ડેન્ગ્યુ-ચિકનગુનિયાના ટેસ્ટ કરાવવાનું સૂચન આપીએ છીએ. '
ચિકનગુનિયામાંથી સાજા થયેલા અનેક દર્દીઓને એક-એક ડગલું માંડવામાં કે પથારીમાંથી બેઠા થવાની પણ ફરિયાદ મળી રહી છે. આ અંગે એક જાણીતા ડોક્ટરે જણાવ્યું કે, 'અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ ૩૦%થી વધુ દર્દી ડેન્ગ્યુ-ચિકનગુનિયાની સારવાર લઇ રહ્યા છે. એટલું જ નહીં ડેન્ગ્યુ-ચિકનગુનિયાની ઝપેટમાં આવનારા મોટાભાગના યુવાનો જ હોય છે. ચિકનગુનિયા બાદ પૂરતી તકેદારી રાખવામાં આવે તો ૧૫ દિવસમાં પૂરી રીક્વરી આવી શકે છે. પરંતુ તકેદારી રાખવામાં ન આવે તો સંપૂર્ણપણે રીક્વરી આવવામાં બે-ત્રણ મહિના જેટલો સમય લાગે છે. '