અમદાવાદમાં પોલીસની તોડબાજીનો વધુ એક કિસ્સો નોંધાયો હતો. દારૂની બોટલો અને રૂપિયાનો પોલીસે તોડ કર્યો હતો. પોલીસે વેપારી પાસેથી દારૂની બે બોટલ અને 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. મસ્કતથી આવેલા વેપારીને વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકી ચાર પોલીસકર્મીઓએ પાસપોર્ટ જપ્ત કરી કેસમાં ફસાવવાની ધમકી આપી તોડ કર્યાનો આરોપ છે. દોઢ લાખ રૂપિયાની માંગણી બાદ વીસ હજારના તોડ કર્યાનો આરોપ લાગ્યો હતો. ચાંદખેડા પોલીસના ચાર કર્મચારી સામે ગુનો નોંધાયો હતો. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે નિકોલમાં મુંબઈના વેપારી પાસેથી ચાર લાખ રૂપિયાના તોડના આરોપ લાગ્યા હતા.
મસ્કતથી પરત ફરેલા વેપારીને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો હતો. વેપારી એરપોર્ટથી વૈષ્ણોદેવી સર્કલ પર પહોંચ્યા હતાં. જ્યાં ચેકિંગના નામે પોલીસે કારને અટકાવી હતી. પોલીસના ચેકિંગમાં મસ્તકથી આવેલા વેપારી પાસેથી બે દારૂની બોટલ મળી આવી હતી. જેથી ચાંદખેડા પોલીસમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓએ દોઢ લાખ રૂપિયાના તોડની માંગ કરી હતી. જો રૂપિયા ન આપે તો પાસપોર્ટ જપ્ત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો હતો. આખરે બે દારૂની બોટલ અને વીસ હજાર રૂપિયાનો તોડ કરી વેપારીને જવા દેવાયા હતા. જોકે ભોગ બનનાર વેપારીએ આખરે આ મુદ્દે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ બે દિવસ પૂર્વે અમદાવાદના નિકોલમાં મુંબઈના વેપારી પાસેથી ચાર લાખ રૂપિયાના તોડના આરોપ લાગ્યા હતા. આ બનાવ હજુ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન છે ત્યાં વધુ એક તોડબાજીનો આરોપ લાગતો ખાખી વધુ એકવાર શર્મસાર થઈ છે.
ભાવનગરના ઉમરાળા ગામે મોડી સાંજના પોલીસ માહિતીના આધારે રમુક ચારોલ ઉર્ફે મુન્ના નામના શખ્સને પકડવા પહોંચી હતી. આ સમયે ભાવનગર જિલ્લા પોલીસ પર હુમલો થયો હતો. આ હુમલામાં પીસીવાર વાનના ચાલક સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલામાં એક પોલીસ કર્મચારીને કાનના ભાગે તો અન્ય બે કર્મચારીને ગળા અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઉમરાળા તાલુકામાં પોલીસ પર હુમલાની ઘટના બાદ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી.