Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારના વિવાદીત હાટકેશ્વર બ્રિજ મામલે ખોખરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઇઝર સતીષ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે જ અત્યાર સુધી આ મામલે કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ઝડપાયેલ આરોપી સતીષ પટેલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.




સતીશ પટેલ બ્રિજનું સુપરવાઇઝિંગનું કામ કરતો. એટલે કે બ્રિજની શરૂઆતથી અંત સુધીમાં તેની ગુણવત્તા સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરવાની કામગીરી તેની હતી. આરોપી સતીષ પટેલ ઇસનપુર બ્રિજના બાંધકામ વખતે પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે કામ કરી ચૂક્યો છે. જોકે બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું સામે આવતા વિવાદ થયો હતો. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ મામલે જવાબદાર કંપની અધિકારી અને કર્મચારીઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




અત્યાર સુધીમાં પોલીસે SGS ઇન્ડિયા કંપનીના મહિલા મેનેજર નીલમ પટેલની ધરપકડ કરી છે. ટેન્ડર ભરવા અને વર્ક ઓર્ડર સહિત બ્રિજની તમામ જવાબદારી મહિલા મેનેજરની હતી, જેથી આ મહિલા મેનેજરની ધરપકડ કરી બ્રિજ મામલે બેદરકારી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ 29 મે ના રોજ હાટકેશ્વર બ્રિજ મામલે થયેલ ફરિયાદના ચાર આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. ખોખરા બ્રિજની નબળી ગુણવત્તાના બાંધકામનો ખુલાસો થયા બાદ કોર્પોરેશને બ્રિજ તૈયાર કરનાર કન્સ્ટ્રક્શન કંપનીના માલિકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આરોપીઓએ ધરપકડથી બચવા માટે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમના જામીન નામંજૂર થતા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચાર ડિરેક્ટર પોલીસ સમક્ષ હાજર થયા હતા. અગાઉ આરોપી રસિકભાઈ અંબાલાલ પટેલ, રમેશ હીરાભાઈ પટેલ, ચિરાગ રમેશ ભાઈ પટેલ અને કલ્પેશ રમેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ બન્યાના ચાર જ વર્ષમાં ખખડી જતા તેને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદના  હાટકેશ્વર બ્રિજને તોડવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો.  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. બાદમાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો