અમદાવાદઃ શહેરમાં સંત સંમેલન પછી ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા. આ સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
ગઈ કાલે ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.
આ સિવાય અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. SVP હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ કોરંનટાઈન કર્યા. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરવામાં આવી અપીલ. કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 236 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1 મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630, વડોદરા કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994 કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.