અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ફરી એકવાર પ્રતિબંધો લાદ્યા છે અને લગ્ન સહિતના સામાજિક-રાજકીય પ્રસંગોમાં 150 લોકોની મર્યાદા નક્કી કરી નાંખી છે. જેને કારણે અનેક પરિવારોને લગ્નો મોકૂફ રાખવાની ફરજ પડી રહી છે. ત્યારે અમદાવાદના એક ધનિક પરિવારે સમાજમાં દાખલો બેસે તેવો નિર્ણય લીધો છે.
શહેરના આઇટી ઓટોમેશનના વ્યવસાય સાથે સંકળાયેલા કપિલ શાહના આગામી 20મી જાન્યુઆરીએ જ્વેલરી ડિઝાઇનનું કામ કરતી મિશિકા સાથે થવાના છે. તેમણે અગાઉ સરકારની ગાઇડલાઇન પ્રમાણે 400 લોકોને ઇન્વિટેશન આપ્યું હતું. જોકે, સરકારે કોરોના સંક્રમણ વધતાં 150 લોકોની મર્યાદા નક્કી કરતાં પરિવારે સમાજમાં દાખલો બેસે તેવો નિર્ણય લીધો છે. કપિલ શાહે જણાવ્યું કે, પહેલા 400 લોકોને નિમંત્રણ આપ્યું હતું. તેમજ 21મીએ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. જોકે, સરકારે લગ્નમાં 150 લોકોની ગાઇડલાઇન બનાવતાં હવે અમે રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. અમે બંને પરિવારોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. તેમજ એવું નક્કી કર્યું છે કે, અમે ખાલી ઘર ઘરના સભ્યો હોય એમાં પૂરું કરીએ.
આઇટી ઓટોમેશનના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેન કપિલ શાહ અમદાવાદના નવરંગપુરા પાસે આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહે છે. ગર્ભશ્રીમંત ગણાતો પરિવાર દીકરાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહથી પ્લાનિંગ કરી રહ્યો હતો. તમામ તૈયારીઓ લગભગ પૂરી કરી નાંખી છે. તમામને ઈન્વિટેશન કાર્ડ પણ મોકલી દેવામાં આવ્યા છે. જોકે, અત્યારે સરકારે લગ્નમાં માત્ર 150 લોકોની મર્યાદા જાહેર કરી દેતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. જોકે, પરિવારે સમાજમાં દાખલારૂપ નિર્ણય લઈને લગ્ન સિવાઇના પ્રસંગે કેન્સલ કરી દીધા છે. તમામની માફી માગીને હાલ પૂરતા રિસેપ્શન સહિતના અન્ય પ્રસંગ મોકૂફ રાખ્યા છે. તેમજ ફક્ત પરિવારના સભ્યો મળીને લગ્ન પ્રસંગે યોજવાનું નક્કી કર્યું છે.