અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના નેતા અને પોરબંદર શહેર મંત્રીના મોત જાણકારી આઠ દિવસ પછી પરિવારને આપવામાં આવી છે. પોરબંદર શહેર કોગ્રેસ મંત્રી પ્રવીણભાઈ બરીદુન કેન્સરની સારવાર લેવા માટે ગત 4થી મેના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. દરમિયાન કોરોનાના રિપોર્ટ માટે તેમને લઈ જવામા આવ્યા હતા.

આ પછી અમદાવાદ સિવિલની બેદરકારીને કારણે પોરબંદરનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પરિવારજનો સતત આઠ દિવસ સુધી શોધખોળ કરી રહ્યા હતા. આ પછી કોગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડીયાએ અમદાવાદ સિવિલના અધિકારીને આ મુદ્દે રજુઆત કરી હતી. ત્યારે આજે આઠ દિવસ પછી હોસ્પિટલના સત્તાવાળાએ જવાબ આપ્યો હતો કે, કોરોના ટેસ્ટમાં લઈ જવાયા બાદ પ્રવીણભાઈ મૃત્યુ પામ્યા છે.



આ અંગે સિવિલ હોસ્પિટલના એમ.એમ. પ્રભાકરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અમારા તરફથી કોઈ ચૂક રહી નથી. તેમનું આઠમી મેના રોજ મોત થયું હતું. આ પછી અમે તેમના સગાને સતત ત્રણ દિવસ સુધી ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વીચઓફ આવતો હતો. તેમનું કેન્સરની સારવાર દરમિયાન મોત થયું છે.

પોરબંદર ખારવા સમાજના અગ્રણી પ્રવીણ બરીદુન કેન્સરની સારવાર લેવા સિવિલ કેન્સર હોસ્પિટલમાં ગયા હતા. કેન્સરમાંથી સીધા જ કોરોના ટેસ્ટ કરાવવા સિવિલમાં મોકલાયા હતા. ત્યાં ટેસ્ટ કરીને ICUમાં દાખલ કર્યા હતા. પ્રવીણભાઈના પુત્ર દરરોજ હેલ્પ સેન્ટર રજીસ્ટરમાં નોંધીને દર્દીની માહિતી માગતા હતા, પરંતુ ટેલીફોનમાં જવાબ મળી જશે તેવો રૂટીન જવાબ મળતો હતો. ૧૨મી મેએ અર્જુન મોઢવાડિયાએ હોસ્પિટલના અધિકારીઓને ટેલીફોન કરતાં તપાસ કરીને અધિકારીઓએ જણાવ્યું કે પ્રવીણભાઈની ભાળ મળતી નથી.



આ અંગે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળમાં પણ ખોડાં ઢોરની ગણતરી અને સંભાળ રખાતી હોય છે. અમદાવાદ સિવિલ કોરોના હોસ્પિટલમાં ૮ દિવસથી દર્દીની સ્થિતિ અને અસ્તિત્વની જાણકારી પરિવારજનોને મળી નથી. પ્રવીણભાઈ બરીદુનની ઘટના તથા અમદાવાદ સિવિલ કોરોના હોસ્પિટલમાં દર્દીઓ અને પરીવારજનો સાથે થતા અમાનવીય વ્યવહારો અંગે ભારતના માનવ અધિકાર પંચ અને ન્યાયતંત્ર પાસે ઘા નંખાશે.

મોઢવાડિયાએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, ૪થી મેએ પ્રવીણભાઈ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં દાખલ થવા તેમના પુત્ર નિરજ સાથે પહોંચ્યા હતા. કેન્સર હોસ્પિટલમાંથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તેઓને કોરોના હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કોરોના હોસ્પિટલમાં તેમના સ્વાબનું સેમ્પલ લઈને તેમને કોરોનાના ICU વોર્ડમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું. તેમની પાસેથી મોબાઈલ અને બીજો સરસામાન લઈને તેમના પુત્રને આપેલ હતો અને પુત્ર નીરજને કહેવામાં આવ્યું હતું કે કોરોના ટેસ્ટનું પરિણામ તેમના ટેલીફોન ઉપર આવી જશે.

તા. ૪ થી તા. ૧૨ સુધી પ્રવીણભાઈના પુત્ર નિરજ દરરોજ કોરોના હોસ્પિટલના હેસ્પ સેન્ટર ઉપર જઈને તેમના પિતાની તબિયત, કોરોના ટેસ્ટનું પરીણાામ વગેરે બાબતો માટે રૂબરૂ પુછપુરછ માટે જતા હતા. દરેક બાબતે તેમને પ્રવીણભાઈની વિગત તથા પોતાનો ટેલીફોન નંબર રજીસ્ટ્રમાં લખવા તથા કોરોના ટેસ્ટનું પરિણામ તથા દર્દીની હાલત ટેલીફોન ઉપર જણાવાશે તેવું જણાવવામાં આવતું હતું. તા. ૧૧મી એ સામાજીક કાર્યકરે તપાસ કરી પરંતુ તેમાં પણ આવો જ જવાબ અપાયો.



મોઢવાડિયાએ જણાવ્યું કે, તા.૧૨ના રોજ મેં પોતે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ મેડીકલ ઓફીસર (RMO), ટ્રોમા સેન્ટરના હેડ PRO, હોસ્પિટલના કોર ટીમના સભ્ય વગેરે સાથે વાત કરી એટલે તંત્ર હરકતમાં આવ્યું અને છેવટે તેઓએ ગંભીરતાથી તપાસ કરાવીને જણાવ્યું કે દર્દી ICUમાં નથી. OPD રજીસ્ટ્રર મુજબ પ્રવીણભાઈને 03 વોર્ડમાં દાખલ કરેલા છે તેવું દર્શાવેલ છે. પરંતુ ૦૩ વોર્ડમાં પણ નથી. પ્રવીણભાઈને કોરોના હોસ્પિટલમાં દાખલ કર્યા પછીના ૮ દિવસે તેમનો પોતાનો તો પત્તો નથી પરંતુ તેમના મેડીકલ રિપોર્ટનો કે તેમના પોતાના અસ્તિત્વનો પણ પત્તો નથી.

દાખલ થયાના ચોથા-પાંચમા દિવસે દર્દીના પુત્ર નિરજને હેલ્પ સેન્ટરમાંથી મૌખિક જણાવવામાં આવ્યું કે દર્દીનો કોરોના રીપોર્ટ નેગેટીવ છે. જો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તો પ્રવીણભાઈ ગળાના કેન્સરની સારવાર હેઠળ કેન્સર હોસ્પિટલમાં જ હતા તો તેમને કેન્સર હોસ્પિટલમાં પરત કેમ ના મોકલાયા કે તેમનો રીપોર્ટ દર્દીના પુત્રને કે તેમના ટેલીફોનમાં કેન ના અપાયો ?

મોઢવાડિયાએ રાજ્યના આરોગ્યતંત્ર અને અમદાવાદ સિવિલ વહીવટની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે પાંજરાપોળમાં ખોડાં ઢોરની ગણતરી રખાતી હોય છે. પ્રવીણભાઈ બરીદુન કેન્સરના દર્દી હતા છતાં ટેસ્ટ લેવાને બહાને સીધા જ કોરોનાના ICUમાં દાખલ કરી દીધા. આઠ દિવસ સુધી તેમની સારવાર અને સ્થિતિની વિગત તેમના પુત્રને કે પરિવારને આપવામાં ના આવી જયારે સ્થિતિ જાણવા દબાણ કરાયું ત્યારે હોસ્પીટલતંત્રે મૌખિક જણાવી દીધું કે દર્દી ICUમાં કે ૦૩ વોર્ડમાં નથી અને વધુ તપાસ કરીશું. આ હોસ્પિટલની સરખામણી ધરમશાળા સાથે પણ કરી શકાય તેમ નથી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનના ૪૫ દિવસ પછી પણ રાજ્યની કોરોના હોસ્પિટલની આવી રેઢીયાળ હાલત હોવાને કારણે કોરોના હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ દોજખમાં જીવે છે અને તેમના પરીવારજનો અપાર વેદના સહન કરે છે. હોસ્પિટલમાં કોઈ સાર-સંભાળ લેવાવાળું કે સગા-સંબંધીઓને યોગ્ય જવાબ દેવાવાળું જ નથી. આવી સ્થિતિને ધ્યાને લઈને અમો કોરોના હોસ્પિટલની ગંભીર સ્થિતિ અંગે ભારતનમા માનવ અધિકાર પંચ અને જરૂર પડ્યે ન્યાયતંત્રનો આશરો લેશું તેવી ચેતવણી અર્જુન મોઢવાડિયાએ ઉચ્ચારી હતી.