અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ લાગ્યો છે. પૂનમ પટણી નામના 36 વર્ષીય વ્યક્તિનું મોત થયાનો આરોપ લાગ્યો છે. મૃતકને સિવિલમાં મોબાઈલ ચોરી કર્યાના આરોપ સાથે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો.
મૃતક અગરબત્તી બનાવવાના કારખાનામાં મજૂરી કરતા હતા. સિવિલ નજીક રિક્ષામાંથી ઉતર્યા બાદ માર માર્યાનો આરોપ લાગ્યો હતો. ત્રણ દિવસ અગાઉ જ બનાવ બન્યો હતો. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવી મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈનકાર કર્યો હતો. મૃતકના પરિવારે સિવિલના સિક્યુરિટી ગાર્ડ, કોંટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવા માંગ કરી હતી. 36 વર્ષીય પૂનમ પટણી પર સિવિલમાં મોબાઈલ ચોરી કર્યાના આરોપ સાથે લગાવીને માર મારવામાં આવ્યો હતો.
પરણિતાનું પિયરિયાઓ જ અપહરણ કર્યું
ગાંધીનગરના દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર પરણિતાનું પિયરિયાઓ જ અપહરણ કરી ઉઠાવી ગયા હતા. મોઢા પર રૂમાલ અને હથિયારો સાથે આવેલા સાતથી વધુ લોકોએ ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ કરી કારમાં લઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. 6 મહિના પહેલા રવિ પટેલ નામના યુવકે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ચાર મહિના સુધી બહાર રહ્યા હતા અને છેલ્લા બે મહિનાથી બંને દહેગામમાં રહેવા આવ્યા હતા. આ વાતની જાણ યુવતીના પરિવારને થતા તેઓએ યુવતીના અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. રવિવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં છથી વધુ લોકો બે કાર અને એક્ટિવા લઈને ધસી આવ્યા અને યુવતીને પોતાની સાથે આવવા કહ્યું, પરંતુ યુવતીએ ઈનકાર કરતા તેઓ બળજબરીથી ઘરમાં ઘૂસ્યા હતા. આ સમયે રવિ અને તેના પરિવારજનોએ દરવાજો બંધ કરી અપહરણ કરવા આવેલા લોકોને ત્યાંથી ભગાડવાની કોશિશ કરી હતી.
પરંતુ તેઓ લાકડીઓ લઈને ઘરમાં ઘૂસી ગયા અને રવિ તેમજ તેમના પરિવારના સભ્યોને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો, જેમાં રવિ અને તેના પરિવારજનો નીચે પડી ગયા હતા. આ સમયે યુવતી પણ બૂમો પાડતી રહી કે, મને રહેવા દો, મારે તમારી સાથે નથી આવવું.પરંતુ અપહરણકારો બળજબરીપૂર્વક સફેદ કલરની કારમાં તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.