અમદાવાદઃ હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં પહેલાં કરતા મોટો ઘટાડો થયો છે. કોરોના કેસ ઘટતાં સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ પણ આપી દેવાઇ છે. કોરોનાના આંશિક કેસો વચ્ચે અમદાવાદીઓ માટે હોળી-ધૂળેટીની ઉજવણીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને અમદાવાદની ક્લબો દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. શહેરની નામાંકિત ક્લબો જેવી કે રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.


રાજ્યમાં કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે પરિસ્થિતિને જોતા શહેરની નામાંકિત ક્લબોએ જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ક્લબોમાં થતી હોળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને પાણીથી હોળી રમવામાં આવે છે. જો હોળીમાં સેલિબ્રેશન કરવા માટે જો ફરીથી લોકો એકત્ર થશે તો શહેરમાં કોરોનાના કેસ વધી શકે છે. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને હોળીની ઉજવણી નહી કરવાનો ક્લબો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 


છેલ્લાં 2 વર્ષથી રાજ્યમાં કોરોનાના કારણે તમામ તહેવારોની ઉજવણી માટે વિવિધ પ્રકારના નિયમો સરકારે બહાર પાડ્યા હતા. જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનમાં જરૂરી છૂટછાટો પણ આપવામાં આવી છે. 


ગુજરાતમાં ગઈકાલે કોરોના વાયરસના નવા 37  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 537  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 531 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212124  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. 


અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 10, તાપી 3, વડોદરા 3, મોરબી 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને નવસારીમાં 1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે.