સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 622એ પહોંચ્યો છે. જ્યારે 21 લોકોનાં મોત નિપજ્યાં છે. કોંગ્રેસના કાઉન્સિલરને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર 67 વર્ષીય બદરુદ્દીન શેખ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ દાણીલીમડાના કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં આવતાં મુનશી કોટેજમાં રહે છે. એસવીપીમાં દાખલ કરાયા હતા જ્યાં તબિયત બગડતાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેથી વેન્ટિલેટર ઉપર મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યાં તેઓની તબિયત સ્થિર બનેલી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ગઈકાલે જુના વાડજ રામદેવપીર ટેકરા, અસારવા અને શાહીબાગ સ્લમ વિસ્તારોમાં ક્લસ્ટર ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કરાયો હતો અને સ્ક્રિનિંગ કરીને સેમ્પલો લેવાયા હતા જેની અસર જોવા મળી રહી છે.