નિકોલ વિસ્તારમાં રહેતા આ 46 વર્ષીય બિઝનેસમેન એમ્બ્રોઇડરી કારખાનું ધરાવી વેપાર કરે છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી, એક પુત્ર છે. આ બિઝનેસમેનની 22 વર્ષની પુત્રીએ ગયા વરસે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને હાલ ઘરે જ છે. બિઝનેસમેન પર 22 મે ના રોજ અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવ્યો હતો. એ પછી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો કે, તારી દીકરી કોલેજમાં કોની કોની સાથે ફરતી અને તેણે કેવા ધંધા કર્યા છે તેના ફોટા અને ક્લિપો મારી પાસે છે. મારા સુધી પહોંચવાની કોશિશ કરશો તો હું આ ફોટો અને ક્લિપો જાહેર કરી દઈશ. મને પોલીસના લફરાં ના જોઈએ. એવું કર્યું તો હું તો પકડાઈ જઈશ પણ બધું જાહેર થઈ જશે તો આબરૂ જશે. આબરૂ બચાવવી હોય તો 15 લાખ રૂપિયા તૈયાર રાખજો.
બિઝનેસમેનના ફોન પર 24 મેના રોજ સવારે કોલ આવ્યો હતો. ફોન કરનારે પૂછ્યું હતું કે, પૈસાનું શું થયું ? તેણે ફરી ધમકી આપી હતી કે, પોલીસમાં ફરિયાદ કરી તો હું પકડાઈ જઈશ અને દોઢ વર્ષ જેલમાં રહીશ પણ પછી છૂટી પણ જઈશ પછી તમને જાનથી મારી નાખીશ માટે 15 લાખ આપી દો.
આ બિઝનેસમેને સાઇબર ક્રાઇમમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં મોબાઇલ લાલુ મચ્છેલાનો હોવાનું ખૂલ્યું હતું પણ તેની પાસેથી ફોન ગુમ થયો હતો. પોલીસે વધુ તપાસ કરતાં આ મોબાઇલ ઓઢવના પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ પરમાર પાસે હોવાનું ખૂલ્યું હતું. મોબાઇલનું લોકેશન અને અવાજ તપાસતાં અવાજ પણ કોન્સ્ટેબલ દશરથનો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસ તપાસમાં દશરથ સાથે તેની બહેનપણી રૂપલ પ્રવીણ મહેસૂરિયા પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. બિઝનેસમેનની પુત્રી રૂપલને ઓળખતી હતી તેથી તેણે જ દશરથને આ પ્લાન સૂચવ્યો હતો.