અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનું હોટ સ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટતું હોવાનો મોટો પુરાવો સામે આવ્યો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલની બહારથી 108ની લાઇનો ગાયબ થઈ છે. વેઇટિંગમાં દર્દીઓને લઇ ઉભી રહેલી લાઇન આજે નજરે પડી નહોતી.


અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં સૌ પ્રથમ વખત 5000થી વધારે લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા


અમદાવાદ (Ahmedabad)માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં આ વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણમાં વધારા બાદ પહેલી વખત એક જ દિવસમાં ૫ હજાર ૪૯ લોકો હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત ફરતા કોરોના મુકત થયા છે. લાંબા સમય બાદ દૈનિક કેસમાં પણ ૫૧૯ કેસ જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નવા ૪ હજાર ૧૭૪ કેસ અને ૨૨ લોકોનાં મોત નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૬૧ કેસ નોંધાયા છે. તો બુધવારે ૫ હજાર ૪૯ લોકો સાજા થઈ ઘેર પરત ફરતા અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ૧૩ હજાર ૯૪૨ લોકો કોરોના મુકત થયા છે. શહેરમાં હાલમાં એકિટવ કેસની સંખ્યા ૬૭ હજાર ૮૫૩ ઉપર પહોંચ્યો છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


બુધવારે રાજ્યમાં નવાં ૧૨,૯૫૫ કેસ અને ૧૩૩ મૃત્યુ નોંધાયા હતા. જો કે હાલ સમગ્ર રાજ્યમાંથી ફરિયાદ ઉઠી રહી છે કે ટેસ્ટિંગની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. જેનાં કારણે પોઝિટિવ કેસોનો આંક નીચે આવ્યો હોય અને કેસોમાં કૃત્રિમ ઘટાડો નોંધાયો હોય તેવી શક્યતા છે.  રાજ્યમાં અત્યારે ૧,૪૯,૧૨૪ એક્ટિવ કેસ છે, જે પૈકી ૭૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧,૪૭,૩૩૨ દર્દીઓ સ્ટેબલ છે. નવાં ૧૨,૯૫૫ કેસ સામે આજે ૧૨,૯૯૫ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૪,૭૭,૩૯૧ થયો છે.


રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી


રાજ્યમાં બુધવારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૩૬,૨૨૬ વ્યક્તિઓને અને ૪૫થી ૬૦ વચ્ચેના ૩૦,૬૭૮ વ્યક્તિઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આજે ૬૫,૪૮૦ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧,૦૦,૯૧,૫૧૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૨૭,૫૧,૯૬૪ દર્દીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.