અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની (Deputy CM Nitin Patel) તબિયત અંગે મોટા સમાચાર આવ્યા છે. 24 એપ્રિલે કોરોના પોઝિટિવ આવતાં  કોરોનાની સારવાર લેવા માટે દાખલ થયેલા નીતિન પટેલ સારવાર લઈ સ્વસ્થ થયા છે. નીતિન પટેલને યુ. એન. મહેતા હૉસ્પિટલમાંથી બહુ જલદી  રજા આપવામાં આવશે.


હાલમાં નીતિન પટેલ  સ્વસ્થ છે અને તેમની તબિયત સારી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા (Discharge) પછી થોડા દિવસ સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘર પર જ આરામ કરશે.


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 24 એપ્રિલે કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા હતા. તેમને કોરોનાનાં લક્ષણો જણાતા તે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો. આ બંનેમાં તેમને  કોરોના હોવાનું બહાર આવતાં તે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ થયા હતા.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત સ્થિર હતી અને કોઈ તકલીફ નહોતી પણ સાવચેતી ખાતર તેમને યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કેટલાક દિવસો ઑબ્ઝર્વેશનમાં રખાયા હતા. ડોક્ટરોએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનાં લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.


નીતિન પટેલે પોતે ટ્વીટર પર લખ્યું હતું કે, 'મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતાં મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.'


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા હતા. આ કારણે તેમની સારવાર સરળ બની હતી. નીતિન પટેલ સિવાય રાજ્ય સરકારના બીજા પણ મંત્રી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જવાહર ચાવડા અને પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ખુદ મુખ્યમંત્રી રૂપાણીને પણ કોરોના થઈ ચૂક્યો છે.