Ahmedabad Corona Cases: ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના કેસમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. દેશના મહારાષ્ટ્ર અને કેરાલા જેવા રાજયોનાં શહેરોમાં કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ અમદાવાદમાં એની અસર જોવા મળી રહી છે.એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે. મુંબઈ ઉપરાંત કેરાલા સહિતના સ્થળોએ જઈ પરત આવેલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવે હજુ કેસ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
અમદાવાદમાં 4 જુનના રોજ કોરોનાના 26 કેસ નોંધાયા હતા. પાંચ જુને એક જ દિવસમાં કોરોનાના નવા 42 કેસ નોંધાવા પામતા વધેલા કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે. શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસ પાછળ અન્ય રાજયોમાં જઈ પરત આવતા લોકો સંક્રમિત થતા હોવા ઉપરાંત લોકો હવે કોરોના ગયો એમ માનીને માસ્ક પહેરતા ના હોવા ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાતુ ના હોવાનાંમુખ્ય કારણ છે.હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરાઈ હોવાછતાં લોકો ટેસ્ટ કરાવવા જતા નથી.બીજી તરફ કોરોના વેકિસન લેનારાઓની સંખ્યા પણ ઘટી રહી છે.જો આ સ્થિતિ લાંબો સમય રહેશે તો કોરોનાના કેસ ફરી વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશની સાથે રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 90 દિવસ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં 260 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. વડોદરામાં 11, રાજકોટમાં 4, સુરત-કચ્છ-મહેસાણામાં 2-2 તથા ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 7 માર્ચ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. હાલ રાજ્યમાં 340 એક્ટિવ કેસ છે. 9 માર્ચ બાદ રાજ્યમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંકડો 200ને પાર થયો છે. છેલ્લા છ દિવસમાં એક્ટિવ કેસમાં 50 ટકા વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 99.08 ટકા છે. રવિવારે 55,714 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.