અમદાવાદઃ આવતી કાલથી નવલી નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે સરકાર દ્વારા આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જોકે, કોરોના રસીના બંને ડોઝ લેનારા લોકો જ ગરબા રમી શકશે. બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન પણ તહેવારો ટાણે કોરોના ફરીથી વકરે નહીં તે માટે એક્શનમાં આવી ગયું છે.
આજથી શહેરમાં વેકસીનના ડોઝ ન લેનારા લોકોને ધાર્મિક સ્થાનોએ પ્રવેશ નહિં મળે. જે તે એકમના સંચાલકે મુલાકાતીઓના વેકસીનેશન સર્ટિફિકેટ તપાસવાની જવાબદારી લેવી પડશે. અગાઉ સરકારી કચેરીઓ, કાંકરિયા ઝુ, AMTS અને BRTSમાં વેકસીન સર્ટિફિકેટ દર્શાવવા નિયમ લાગુ કરાયો હતો. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનએ 3000 જેટલી હોટલમાં નિયમ લાગુ કર્યો છે. તહેવારો નજીક આવતા ધાર્મિક સ્થળોએ મુલાકાત કરતા મુલાકાતીઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશને કરેલા આદેશ પ્રમાણે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પ્રાઇવેટ પ્રિમાઇસીસ જેવા કે શોપિંગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, હોટલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, મોટી સોસાયટી વગેરેની મુલાકાત લેતા નાગરિકો કે જેઓએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હયો તેવા વ્યક્તિઓને આ તમામ એકમો ખાતે પ્રવેશ આપવાનો રહેશે નહીં.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે લાંબા સમય બાદ કોરોના સંક્રમણથી એક મોત થયું નથી. આજે 5,12,552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,776 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. લાંબા સમય બાદ આજે કોરોના સંક્રમણના કારણે એક દર્દીનું જૂનાગઢમાં મોત થયું છે. વલસાડ 7, સુરત કોર્પોરેશનમાં 5, સુરત 3, ખેડા 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન 1, જૂનાગઢ 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 18 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3899 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 44568 નાગરિકોને રસીનો પ્રથમ અને 94760 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 139609 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 229698 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,12,552 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,25,22,653 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.