અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 300ને પાર થઈ ગયા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરના વેજલપુર વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે ૩૦૦ જેટલા ટેસ્ટ થયા હતા. જેમાંથી ૪૮ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.

કોર્પોરેશન માસ સર્વે પર રોજ ૨૫૦ જટેલા લોકોના કોરોના રીપોર્ટ કરાય છે. રોજ અંદાજે ૪૦ કરતા વધારે કોરોના પોઝીટીવ આવે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 12 લોકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 6 દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 50ને પાર થઈ ગયો છે. 6 દિવસમાં જ 59 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે તારીખ પ્રમાણે જોઇએ તો ગઈ કાલે 26મી નવેમ્બરે અમદાવાદ શહેરમાં કોરોનાથી 12 લોકોના મોત થયા હતા, જ્યારે 337 કેસ નોંધાયા હતા. ગત 25મી તારીખે અમદાવાદ શહેરમાં કોરોનાના 326 કેસ નોંધાયા હતા. જ્યારે 9 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગત 24 તારીખે 323 કેસ નોંધાયા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા.

ગત 23મી તારીખે 319 કેસ નોંધાયા હતા, જ્યારે 13 લોકોના મોત થયા હતા. 22 તારીખે 318 કેસ નોંધાયા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા અને ગત 21 તારીખે 354 કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત થયા હતા. આમ કુલ, 5 દિવસમાં 47 લોકોના મોત થયા છે. જ્યારે 5 દિવસમાં કુલ 1682 કેસ નોંધાયા છે.