આ અંગેની વિગતો એવી છે કે, મૂળ પાકિસ્તાનના લાહોરની વતની કેરોલ નામની યુવતી સોશિયલ મીડિયાથી અમદાવાદમાં રહેતા સુજીતના સંપર્કમાં આવી હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા. કેરોલના પ્રેમમાં પાગલ સુજીત પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યાંથી તેને લઈ નેપાળ ગયો હતો અને નેપાળથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
આ પછી કેરોલ અને સુજીતે કચ્છમાં લગ્ન કરી લીધા હતા અને અમદાવાદના નવરંગપુરામાં બંને સાથે રહેતા હતા. તેઓ વર્ષ 2018તી સાથે રહેતા હતા. જોકે, ચાર મહિના પહેલા સુજીતનું કોરોનાથી મોત થયું હતું. કેરોલના અગાઉ લગ્ન થઈ ગયા છે અને તે સાથે બે બાળકો લઈને આવી હતી. તેના પાકિસ્તાનમાં છૂટાછેડા થયેલા છે. સુજીતના પણ છૂટાછેડા થયેલા હતા. તેને પણ એક દીકરી હતી, જે તેમની સાથે જ રહેતી હતી.
સુજીતના નિધન પછી પૂર્વ પત્નીના સાળાએ ભાણેજનો કબ્જો મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમજ તેણે પોલીસમાં પણ અરજી કરી હતી અને કેરોલ પાકિસ્તાની હોવાનું અને અહીં ગેરકાયદે વસવાટ કરતી હોવાનું જણાવ્યું હતું. તેમજ કેરોલ પાસે તેની ભાણેજ હોવાનું અને તેનો કબ્જો અપાવવા માટે ભલામણ કરી હતી.
આ પછી એટીએસની તપાસમાં સમગ્ર ઘટના સામે આવી હતી અને તે મૂળ પાકિસ્તાની હોવાનું ખૂલ્યું હતું. કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછપરછ કરતાં તેણે સુજીત પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. હાલ, તો પોલીસે કેરોલની ધરપકડ કરી છે. ઘરમાં તપાસ કરતાં 3 લોકર મળી આવ્યા છે. કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જે બાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. આ પછી તે સુજીત સાથે લગ્ન કરીને અમદાવાદમાં રહેતી હતી.