અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ રાજ્યમાં લોકો મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી દરરોજ 500થી વધુ લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, ત્યારે અમદાવાદ માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે.


છેલ્લા કેટલાય દિવસો પછી ગઈ કાલે અમદાવાદ શહેરમાં 205 અને જિલ્લામાં 10 મળી કુલ 215 કેસો જ નોંધાયા છે. એટલું જ નહીં, છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં કેસોની સામે સાજા થનારા દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે. જેને કારણે અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટી રહ્યા છે. હાલ, અમદાવાદ જિલ્લામાં કોરોનાના 3388 એક્ટિવ કેસો છે.

ગઈ કાલે 24મી જૂને અમદાવાદમાં 215 કેસ નોંધાયા હતા, જેની સામે 401 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 23મી જૂને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારાં 230 અને જિલ્લામાં પાંચ મળી કુલ 235 કેસ નોંધાયા હતા. જેની સામે 421 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ગત 22મી જૂને કોરોનાના 314 કેસ નોંધાયા હતા. જેની સામે 401 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 21મી જૂને અમદાવાદમાં 273 કેસ નોંધાયા હતા, જેની સામે 427 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 20મી જૂને 306 કેસ નોંધાયા હતા. જેની સામે 418 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.