અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકડાઉનને એક વર્ષ થવા છતાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસને લઈ સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૭ દિવસ દરમિયાન કોરોનાના દૈનિક કેસમાં ૧૩૦%નો વધારો થયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૫ માર્ચના ૨૦૯ દૈનિક કેસ નોંધાયા હતા જ્યારે ૨૨ માર્ચના ૪૮૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી.


3 દિવસમાં 1300થી વધુ કેસ


અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. 22 માર્ચ, સોમવારના રોજ અમદાવાદ કોર્પોરેશનમાં 481, 21 માર્ચ રવિવારે 443 કેસ અને 20 માર્ચ શનિવારે 401 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1325 કેસ નોંધાયા  હતા.


અત્યાર સુધીમાં શહેરમાં કેટલા નોંધાયા છે કેસ


સોમવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 481 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63214 કેસ નોંધાયા છે.સોમવારે વધુ 351 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 59662 દર્દીઓ કોરોના મુકત થયા છે. શહેરમાં સોમવારે બે દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2280 લોકોના મરણ થયા છે.


અમદાવાદ-સુરતમાં શું છે સ્થિતિ


અમદાવાદમાં ૧૫ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન છેલ્લા ૭ દિવસમાં કોરોનાના ૨,૫૦૬ કેસ નોંધાયા છે. આમ, છેલ્લા ૭ દિવસથી સરેરાશ ૩૫૮ નવા કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ૯૦૯ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૧,૫૯૧ છે. બીજી તરફ સુરતમાં ૧૫ માર્ચના ૨૬૨ કેસ હતા જ્યારે ૨૨ માર્ચના ૪૮૩ કેસ સામે આવ્યા છે. આમ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સુરતમાં કોરોનાના કેસમાં ૮૫%નો વધારો થયો છે.


ગુજરાતમાં કેટલા વધ્યા કેસ


સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો ૧૫ માર્ચના દૈનિક ૮૯૦ કેસ નોંધાયા હતા જ્યારે ૨૨ માર્ચના તેનો આંક ૧,૬૪૦ થયો છે. આમ, એક સપ્તાહમાં રાજ્યમાં કોરોનાના કેસમાં ૮૫% જેટલો વધારો થઇ ચૂક્યો છે. ૧૫ માર્ચના ૪,૭૧૭ એક્ટિવ કેસ હતા અને જે હવે વધીને ૭,૮૪૭ થયા છે. આમ, એક્ટિવ કેસના પ્રમાણમાં ૬૫%થી વધુનો વધારો થયો છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 1640  નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા હતા. રાજ્યમાં સોમવારે 1110  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348,  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847  એક્ટિવ કેસ છે, જેમાંથી 73   લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.