અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને સો ટકા કોરોના વેકિસનનો પહેલો ડોઝ મળી રહે એ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ૫૦ વર્ષથી વધુની વયના લોકો અથવા ૧૮ વર્ષથી વધુની ઉંમરના દિવ્યાંગ વ્યકિતને ઘરે બેઠા વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે. આ કેટેગરીમાં આવતાં લોકોને વેકિસનનો પહેલો ડોઝ લેવાનો બાકી છે અથવા બીજો ડોઝ લેવાનો સમય પુરો થઈ ગયો છે, તે તમામને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઘરબેઠા જ કોરોના વેકિસન અપાશે. રસી લેવા માટે સવારના નવથી રાતના નવ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
શહેરમાં પાંચ ઓકટોબર સુધીમાં ૯૭ ટકા લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૪૯ ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૬૬,૮૪,૫૧૫ ડોઝ અપાયા છે. જે પૈકી ૪૪,૭૯,૭૭૯ લોકોને પહેલો અને ૨૨,૦૪,૭૩૬ લોકોને બંને ડોઝ અપાયા છે. ઘરે બેઠા વેક્સિન લેવા માટે ૬૩૫૭૦૯૪૨૪૪ અથવા ૬૩૫૭૦૯૪૨૨૭ નંબર ઉપર સવારના નવથી રાતના નવ સુધી વેકિસન લેવા રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સિવાય મ્યુનિ.ની વેબસાઈટ ઉપર પણ રજીસ્ટ્રેશન થઈ શકશે. રજીસ્ટ્રેશન સમયે લાભાર્થી જે સમયે ઘેર હોય એ સમય અને તારીખ દર્શાવવાના રહેશે.
ગુજરાતમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. આજે 3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2947 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 28004 નાગરિકોને રસીનો પ્રથમ અને 61618 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 90644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 150086 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,309 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,28,55,962 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.