અમદાવાદઃ આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વર્ષે રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે. આ અંગે આજે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ. એટલે કે, જેમણે રસી નહીં લીધી હોય તેવા લોકો ગરબામાં ભાગ લઈ શકશે નહીં.
રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તારાખ રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તારીખ ૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.