અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નારણપુરા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં કોંગ્રેસને વધુ  એક ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસનાં ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ ખસી જતાં નારણપુરા વોર્ડની ઓબીસી  માટે અનામત બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરિફ વિજતા જાહેર  કરી દેવાયા છે. ભાજપના  મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતીને વિજેતા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડીનાં એ પહેલાં કોર્પોરેટર બન્યાં છે.



નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે  ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ  બેઠક પરથી પુષ્પાબેન નામમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી ફોર્મ ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના  પુષ્પાબેનનું ફેર્મ રદ થઇ ગયું હતુ.

મંગવારે ફોર્મ પરત  ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને કોંગ્રેસ નેતાગીરીને પૂછ્યા વિના જ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન રાવળે  ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. તેના કારણે ભાજપે નારણપુરા  વોર્ડની એક બેઠક બિનહરિફ કબજે કરી લીધી છે. હવે નારણપુરામાં બે પુરુષ અને એક મહિલા બેઠક મળી કુલ ત્રણ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.