Ahmedabad Corona Update: હાલ ગુજરાત રાજ્ય સહિત ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. ગઈકાલે આવેલા કુલ 226 કેસની સામે આજે કુલ 407 નવા કોરોનાના કેસ આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના કોરોનાના કુલ કેસોમાંથી એકલા અમદાવાદ શહેરમાં જ 207 કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે ત્યારે ફરીથી આજે ચિંતાજનક વધારો નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં નોંધાયેલા છેલ્લા 5 દિવસના કોરોના કેસના આંકડા જોઈએ તો,
21 જૂન - 106 કેસ નોંધાયા
20 જૂન - 97 કેસ નોંધાયા
19 જૂન - 117 કેસ નોંધાયા
18 જૂન - 128 કેસ નોંધાયા
17 જૂન - 118 કેસ નોંધાયા
આમ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં 100 થી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 207 કેસ સાથે શહેરમાં કોરોના સંક્રમણમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓ બાદ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, આજે 407 કેસ નોંધાયાઃ
ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. બીજી તરફ 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. આજે નોંધાયેલા કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,638 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ, વડોદરા શહેરમાં 39 કેસ, સુરત શહેરમાં 45 કેસ, રાજકોટ શહેરમાં 17 કેસ, ગાંધીનગર શહેરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં 11 કેસ, જામનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 12, વલસાડમાં 8 કેસ નોંધાયા છે. આણંદ અને ગાંધીનગર 6-6 કેસ, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, કચ્છમાં 4, મહેસાણામાં 4, અમદાવાદ અને રાજકોટમાં 3-3 કેસ, જામનગર નવસારીમાં 2-2 કેસ, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
આજે કોઈ મોત નથીઃ
આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 190 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1741 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 12,15,806 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.