અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનદાની ચોર પરિવારના બે સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ, બેંગલોર, દિલ્હી, અને ગુજરાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા. સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબતે છે કે ઝડપાયેલ બન્ને આરોપીઓ માત્રને માત્ર ફ્લેટમાં જ ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલ હતા. કારણ કે વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત બંધ બેસી ગઈ હતી.
અકબર સૈફી નામના આરોપીની માતા રજીયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. બન્ને આરોપીઓએ ભૂતકાળમાં એકવાર દુકાનના શટર તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા જેથી તેમને ચોરી કરવા માટે ફ્લેટને ટાર્ગેટ કરતા હતા. ઝડપાયેલ આરોપીઓ ઉપર અલગ અલગ રાજ્યોમાં ચોરીની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
અમદાવાદની ક્રાઈમ બ્રાંચ ટીમને બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારમાં થયેલીની ચોરીના મુદ્દા માલ સાથે આરોપીઓ સેટેલાઈટ વિસ્તારમાં હતા. આરોપી પાસે 74 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. આરોપીઓ ફ્લેટમાં ચોરી કરવા માટે તેઓ સવારે 11 થી 5 વાગ્યા સુધીનો સમય પસંદ કરતા. એટલે કે માત્ર ને માત્ર દિવસ દરમિયાન જ તેઓ ફ્લેટમાં ઘૂસી ચોરી કરતા, ફ્લેટ એટલા માટે પસંદ કરતા કેમ કે નાના ફ્લેટમાં ઝડપથી ચોરીની ઘટનાને અંજામ આપી શકાય અને વધુ મહેનતની જરૂર ન પડે.
ચોરી કરવા માટે તેઓ અલગ અલગ રાજ્યમાં જતા અને બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તૈયાર કરતા. જેથી કરીને જે તે શહેરમાં જાય તો હોટલમાં રહેવા માટે આધાર પુરાવા રજૂ કરી શકાય. આરોપી અકબર સૈફી સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 26 જેટલા ગુના ચોરીના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના જ સંબંધી રમેશ રાજપુતના સામે 13 જેટલા ગુના થઈ ચૂક્યા છે. આ બંને આરોપીઓએ અમદાવાદમાં મણિનગર અને સેટેલાઈટ વિસ્તારમાં ચોરી કરી ચૂક્યા છે. સૌથી ચોકાવનારી બાબતો એ છે કે પકડાયેલ બંને આરોપીનો પરિવાર વર્ષોથી ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.