Ahmedabad: અમદાવાદમાં એક સામાન્ય વાત હત્યા સુધી પહોંચી છે. બાવળામાં ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઇને બોલાચાલી થઇ જેમાં ભાડૂઆતે મકાન માલિકની હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાવળાના શ્યામ કૉમ્પલેક્સમાં ભાડૂઆતો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, આ દરમિયાન મકાનમાલિક વચ્ચે પડતાં ભાડૂઆતે તેના પર છરીના ઘા મારી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બાવળાના શ્યામ કોમ્પલેક્ષસ પાસે આવેલી આસોપાલવ સોસાયટી પાસે આ હત્યાની ઘટના બની હતી, માહિતી પ્રમાણે, 36 વર્ષીય મૃતક પ્રદિપસિંહ ગઇ રાત્રે બીજા ભાડુઆત સુરેશ ઠક્કર સાઉન્ડ મોટેથી વગાડતા હોવાની ફરિયાદ મકાન માલિકને કરી હતી. બાદમાં મકાન માલિક સુરેશ ઠક્કર પાસે પહોંચ્યા હતા અને ઠપકો આપતા મામલો બિચક્યો હતો, ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે મકાન માલિકને ઉપરા છાપરી છાતીના ભાગે છરીના બે ઘા મારી દીધા હતા. મકાન માલિકને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ રાત્રીના સમયે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને બોપલની સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ જતા તેમનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના પરિવારની ફરિયાદ લઈ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ હોવાની વાત સામે આવી છે. અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત પણ ખુલી છે. ખરેખરમાં, ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ ત્રિકમપુરા કેનાલ પાસે આરોપી અશ્વિન ઝાલાએ મનીષ સુથારના મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા અને હત્યા કરી દીધી હતી. મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં આરોપી ફરાર છે. વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.