અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધી જતા રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. કર્ફ્યૂને પગલે આજે વહેલી સવારથી જ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. જોકે, કર્ફ્યૂને કારણે વતન જવા માંગતા લોકો રઝળી પડ્યા હતા. એટલું જ નહીં, બીજા રાજ્યમાંથી આવતાં લોકો શહેરના એન્ટ્રી પોઇન્ટ પર રઝળી પડ્યા હતા.


અમદાવાદમાં કર્ફ્યૂને પગલે પોલીસ દ્વારા રસ્તા પરથી નીકળતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે રસ્તા પર એકલ-દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમજ શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે.

એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરો અટવાયા

શહેરના સનાથલ સર્કલ પર પ્રવાસી રઝળ્યા હતા. અમદાવાદ શહેરમાં બસને પ્રવેશ ન હોવાથી બસને રિંગરોડ ફરતેના એન્ટ્રી પોઇન્ટ પર ઉતારવામાં આવી રહ્યા છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓ બસની રાહ જોઈ રહ્યા છે.
અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી છે. આઇસીએઆઈ (ICAI) અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.

ICAIના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19ની અસરને સમજતાં, ICAIએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021થી મે 2021ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.

ICAIઅમદાવાદના અધ્યક્ષ સી.એ.ફેનીલ શાહે વધુમાં જણાવ્યું કે, COVID-19થી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને, ICAIએ કેટલીક ખાસ સુવિધા આપી છે જેમાં તે તેની પરીક્ષાના અંતિમ સમય સુધી ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમજ આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં હાજર રહેશે અથવા મે 2021 અને તે માટે ઓનલાઇન વિંડોની સુવિધા આપવામાં આવી છે.