અમદાવાદઃ શહેરમાં યુવકોને હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે શરીરસુખ માણી પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.  લોકોને બોડી મસાજના નામે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકીની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઇમે બે યુવતી સહિત 6ની ધરપકડ કરી છે.


ન્યૂ રાણીપના યુવક સાથે છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઈમે બે આરોપીની આવા જ ગુનામાં પકડ્યા હતા. પૂછપરછમાં અગાઉ તેની સાથે કામ કરતી બે યુવતી અને અન્ય યુવકો સાથે મળી હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે શરીરસુખ માણવાની લાલચ આપી પૈસા ભરાવી છેતરપીંડી કરતા હતા.


સાઇબર ક્રાઈમે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી લાવેલા સહદેવસિંહની પૂછપરછ કરતા બંને યુવતીઓ લોકો સાથે મીટીંગ કરી લોકોને જાળમાં ફસાવતા હતા અને તેમને પૈસા ભરાવતા હતા. કેતન પટેલ નામના વ્યક્તિનું ખોટું આધાર કાર્ડ બનાવી અને PNB બેકમાં ખાતું પણ ખોલાવ્યુ હતું જેમાં પૈસા ભરાવતાં હતા. કેતન પટેલના નામે ફિંગર પ્રિન્ટ, આઇ સ્કેન, બેકમાં ખોટો ફોટો વગેરે કરનાર હર્ષ જોશી, દાનીશ પઠાણ અને અલ્લારખાં શેખની પણ ધરપકડ કરી છે.


ન્યુ રાણીપમાં રહેતો 19 વર્ષીય યુવક ન્યુઝ પેપરમાં હેપ્પી કંપનીની એક જાહેરાત વાંચી હતી, જેમાં છોકરા અને છોકરીઓ જોઇએ છે અને રૂ.20 હજાર સુધી કમાવવાની તક જેવી જાહેરાત વાંચી હતી. જાહેરાતમાં આપેલા નંબર પર યુવકે ફોન કર્યો હતો. બીજી તરફથી કંપનીના ક્લાયન્ટને બોડી મસાજની જગ્યાએ તેમની સાથે શરીરસુખ માણવાનું રહેશે અને ક્લાયન્ટ જે પૈસા આપે એમાં 20 ટકા કંપનીને આપવાના રહેશે, જેના બદલામાં ક્લાયન્ટ તમને પૈસા આપશે, તેમ કહેવામાં આવ્યું હતું. 


વાત કરી રહેલી વ્યક્તિએ હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે બોડી મસાજની જગ્યાએ શરીરસુખ માણવાનું જણાવાયું હતું.  એટલું જ નહીં યુવને આ સ્કીમમાં અલગ અલગ ચાર પ્લાન જણાવ્યા હતા. પ્લાન પંસદ આવતા રૂ.12500 ભરવાના રહેશે, તેમ જણાવ્યું હતું. યુવકે એક પ્લાન પસંદ કરી ઓનલાઈન પૈસા ભર્યા હતા. 


આ પછી અલગ અલગ નંબર પરથી નોકરી અંગેની પ્રોસેસીંગ ફી સહીતની ફી પેટે રૂ.39 હજાર ભરાવડાવ્યા હતા. બધી પ્રોસેસ પૂરી થયા પછી યુવકે આવેલા નંબરો પર ફોન કર્યા તો તેમનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી જાણ થઈ કે નોકરી આપવાનું કહીને તેમની પાસેથી રૂ.39000 ભરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.