Ahmedabad Cyber Crime Police: અમદાવાદ પોલીસે આજે એક ખાસ ઓપરેશન કરીને પીએમ મોદીના ભાષણ સાથે છેડછાડ કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે. થોડાક દિવસો પહેલા પીએમ મોદીએ સંસદમાં અનામત અંગે સ્પીચ આપી હતી, આ સ્પીચમાં આરોપીએ છેડછાડ કરીને, વીડિયોને મૉડીફાઇડ કર્યો હતો, જેનાથી લોકોમાં અનામત વિશે ખોટો ભ્રમ ફેલાવવાનું કામ કરાયુ હતુ. આ પછી નોંધાયેલી ફરિયાદના આધારે આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફેસબુક આઇડીના ટ્રેસિંગના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે.
નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમદાવાદ શહેર ક્રાઇમની ટીમે આરોપી 43 વર્ષીય મહેન્દ્ર ડોડિયાને ઝડપી પાડ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, થોડાક દિવસો પહેલા દિલ્હીમાં સંસદ ગૃહમાં પીએમ મોદી દ્વારા અનામત વિશે ભાષણ આપવામાં આવ્યુ હતુ, આ ભાષણ થકી દેશના લોકોને અનામત વિશે માહિતી આપવામાં આવી હતી, પરંતુ આરોપીએ આ ભાષણનું ખોટુ અર્થઘટન કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી મહેન્દ્ર ડોડિયાએ પીએમ મોદીના સંસદના અનામત પરના ભાષણને કટ, કૉપી કરીને મૉડીફાઇડ કર્યો હતો, આરોપી દ્વારા વીડિયો બનાવટી વીડિયો બનાવીને અનામત બાબતે ખોટી અફવા ફેલાય, વાતાવરણ તંગ થાય, જુદીજુદી જાતિ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સરકારની છબી ખરડાય અને ખોટી રીતે રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ કરાયો હતો. આ વીડિયો પૉસ્ટ ફેસબુક પર વાયરલ કરવામાં આવતાં બાદમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક્શન લેતા આઇડી ટ્રેસ કરીને આરોપી મહેન્દ્ર ડોડિયાને ઝડપી પાડ્યો હતો.