અમદાવાદઃ શહેરના પીરાણા રોડ પર આવેલી 30 વર્ષ જૂની કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 10 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમૂકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આગની ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 18 લોકોને એલ.જી. હોસ્પિટલ લવાયા છે.


આગની લપેટ અને ગરમીને લીધે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાથી દિવાલ પડી અને નીચે ઉભેલા લોકો દટાયા હતા. જે લોકો ઉભા ઉભા આગ જોઈ રહ્યા હતા અને રેસ્ક્યૂની કામગીરી જોતા હતા, ત્યારે જ દિવાલ ખાબકી હતી. જેમાં અનેક લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયા હતા, જ્યારે 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

આ દરમિયાન એક કરૂણ ઘટના પણ બની છે. ફેક્ટરીમાં કામ કરતી માતાનું મોત થયું છે, જ્યારે પુત્રી દાઝી ગઈ હતી. સવારે ટિફિન લઈને ગયેલા 50 વર્ષીય નઝમુનિશા શેખ મોતને ભેટ્યા છે. તેમની સાથે તેમની દીકરી રિઝવાના પણ નોકરી ગઈ હતી, તેનો બચાવ થયો છે પરંતુ તે દાઝી છે.

અમદાવાદમાં બનેલી કરૂણાતિંકાને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.