અમદાવાદઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વર્લ્ડકપની મેચમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપવાના કેસમાં પન્નુ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પન્નુએ ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની પ્રથમ મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડો ફરકારવાની ધમકી આપી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે પન્નુ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. નફરત અને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડવાના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પન્નુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી હતી. પન્નુએ પ્રી-રેકોર્ડેડ મેસેજ મોકલીને ધમકી આપી હતી. આ ધમકીભર્યા વીડિયોમાં પન્નુએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું હતું કે 6 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ અમારું લક્ષ્ય હશે. પન્નુએ અગાઉ 15 ઓગસ્ટ અને G20ના રોજ પણ ધમકીઓ આપી હતી, જ્યારે દિલ્હી પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. પન્નુએ ધમકીભર્યા મેસેજમાં ભારત-પાકિસ્તાન મેચને નિશાન બનાવવાની વાત કરી છે.
અમદાવાદ પોલીસના સાયબર સેલે ગુરપતવંત પન્નુ સામે મેચમાં અડચણ ઉભી કરવાની ધમકી આપવા બદલ FIR નોંધી છે. પોલીસે એફઆઈઆરમાં આઈટી એક્ટની સાથે આઈપીસીની કલમ 121, 153A, 153 B(1)(C), 505 (1)b હેઠળ કેસ નોંધ્યો છે. ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે. અગાઉ NIAએ ચંદીગઢના પન્નુમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ NIA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.