અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભૂતપૂર્વ પૂર્વ મેયર બીજલ પટેલને ટિકિટ નહીં મળે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ABP અસ્મિતા સાથે વાતચીતમાં બીજલ પટેલે ફરિયાદ કરી કે, મારા શાસનમાં મારે અધિકારી રાજનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એવી પણ ફરિયાદ કરી કે, આવેદનપત્ર લેવા જેવી બાબતમાં પણ મારી વાતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.


કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા કેરી મહોત્સવ યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરાયો હોવાનો વિવાદ ઉઠ્યો હતો. કેરી મહોત્સવ મામલે પૂર્વ મેયરે દોષનો ટોપલો ભાજપ પર ઢોળી દેતાં કહ્યું છે કે, મને પાર્ટીમાંથી કેરી મહોત્સવ કરવાની સૂચના આપવામાં આવી હતી. જો કે તેમણે એવો સવાલ પણ કર્યો કે, મારા કારણે કોરોનાની ગાઈડલાઈન ભંગ થઈ હોય તો જણાવો.

SVP હોસ્પિટલમાં સારવાર મામલે બીજલ પટેલે કહ્યું કે, ક્યાંય સારવાર ન મળી હોય તેવું ન હતું અને 104 થી વધુ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. કાંકરિયા રાઈડ તૂટી પડવા મામલે પણ તેમણે કહ્યું કે, આ પ્રકારની ગંભીર દુર્ઘટના ઘટી હોય ત્યારે પક્ષાપક્ષી ના જોવી જોઈએ. તેમણે કહ્યું કે, મને મારા પક્ષ અને હોદ્દેદારો તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો અને મારા પક્ષ દ્વારા મારી છબી ખરડવાનો પ્રયાસ ક્યારેય ન થયો પણ મારે અધિકારી રાજનો સામનો કરવો પડ્યો.