અમદાવાદમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ વચ્ચે માર્ચ મહિનામાં મેટ્રો દોડતી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ આજે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 28.5 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડાવવાના ફેઝ-2 પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી મળી ગઈ છે. રૂપિયા 5,553 કરોડના ફેઝ-2 પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેમાં મોટેરા થઈ ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એપીએમસીથી વાસણા અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચે મેટ્રો રેલના ફેઝ-1ની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર થઈ ચૂક્યો છે. જેના ઉપર ટ્રાયલ રન પણ લેવાઈ ગયો છે. આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ 6 કિ.મી.ના રૂટ ઉપર કોર્મર્શિયલ ધોરણે મેટ્રો શરૂ કરવાનું આયોજન છે. 


સુત્રો પ્રમાણે, અમદાવાદ ગાંધીનગરના ફેઝ-2માં મોટેરા, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસન, રાંદેસણ, ઇન્ફોસીટી, સેક્ટર-1, સેક્ટર10એ, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 થઈ મહાત્મા મંદિર સુધીના 28.5 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડાવવાનું આયોજન છે. આ સાથે ગિફ્ટ સીટી અને પીડીપીયુને પણ મેટ્રોથી જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.



મેટ્રોના રૂટને ગિફ્ટ સીટીથી લંબાવવાનું કામ પીપીપી ધોરણે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રોના ફેઝ-2માં મહત્વના શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સ્થળોને જોડતા રૂટ ઉપર મેટ્રો દોડશે. જેમાં ગુજરાત નેશનલ લો યુનિર્વસીટી, પીડીપીયુ, ઈન્ફોસીટી, ગિફ્ટ સીટી, અક્ષરધામ, સચિવાલય અને અક્ષરધામનો સમાવેશ થાય છે. મેટ્રોના ફેઝ-2માં કુલ 20 જેટલા સ્ટેશનો હશે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 50-50 ટકા ખર્ચ ઉપાડવામાં આવશે.