અમદાવાદ: કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 28 ફેબ્રુઆરીના રોજ પોતાની પ્રથમ ચૂંટણી સભા ગાંધીનગરમાં સંબોધશે. અડાલજના ત્રિમંદીર મેદાન ખાતે યોજાનારી આ સભા પ્રિયંકાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી સભા બનશે. આ ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળશે.


ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટી પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 28મીએ અડાલજના ત્રિમંદિરે યોજાનારી કોંગ્રેસની રેલી માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, આ રેલી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી રેલી હશે. પહેલીવાર એવું બનશે કે ગુજરાતના લોકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત રહેવાના સાક્ષી બનશે.


કોંગ્રેસે ચૂંટણી પહેલા ભાજપના ગઢ રહેલા ગુજરાત પર ફોક્સ કર્યું છે. આ માટે 60 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. 51મી કોંગ્રેસ કારોબારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. આ પહેલા રાહુલ ગાંધીએ વલસાડમાં ચૂંટણી સભા સંબોધીને પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.