અમદાવાદઃ શહેરની 27 વર્ષીય યુવતીને 2 વર્ષ પહેલા ફેસબુક પર એક યુવક સાથે પ્રેમ થયો હતો. આ પછી તો બંને ચેટ પર ખૂબ જ વાતો કરતા હતા તેમજ વીડિયો કોલમાં પણ બંને મસ્તી કરતા હતા. યુવક યુવતી પાસે વીડિયો કોલમાં અશ્લીલ હરકતો કરાવતો હતો. જોકે, યુવતીને આ અશ્લીલ હરકતો કરવી ભારે પડી ગઈ છે. 


વાત એવી છે કે, યુવકે પ્રેમિકાને કોઈ કામ ધંધો કરતો ન હોવાથી કામ મળી જાય પપછી લગ્ન કરવાનું વચન આપ્યું હતું. યુવક પ્રેમિકાની એકલતાના લાભ લઈ તેની પાસે અશ્લીલ હરકતો કરાવતો હતો. આ સમયે તેણે સ્ક્રીન શોટ લઈ લીધા હતા. 


યુવક કોઈ કામ કરતો ન હોવાથી તે યુવતી પાસે અવાર-નવાર ઓનલાઇન પૈસા મંગાવતો હતો. યુવતીએ અત્યાર સુધીમાં યુવકને 35 હજાર રૂપિયા આપી દીધા હતા. દરમિયાન યુવતીની સગાઈ થઈ જતા યુવતીએ પ્રેમીને સંબંધ તોડી નાંખવા માટે જણાવ્યું હતું અને હવે તેની સાથે વાત નહીં કરે તેમ પણ કહ્યું હતું. 


યુવતીએ પ્રેમસંબંધ તોડવાની વાત કરતાં જ યુવકે પોત પ્રકાશ્યું હતું અને અશ્લીલ સ્ક્રીનશોટ મોકલી આપ્યા હતા અને 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા ન આપે તો આ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવકે તો યુવતીના ફિયાન્સનો નંબર મેળવી તેને પણ છોકરી સારી ન હોવાના મેસેજ મોકલ્યા હતા. એટલું જ નહીં, પ્રેમિકાને તેના પરિવારના સભ્યોનને ફોટા મોકલવાની પણ ધમકી આપી હતી. 


આ ઉપરાંત યુવકે પ્રેમિકાના ફિયાન્સને અશ્લીલ ફોટા મોકલ્યા હતા તેમજ આથી પણ ખરાબ ફોટા જોઇતા હોય તો મોકલીશ તેમ કહ્યું હતું. આમ, ફિયાન્સે યુવતીના પિતરાઇને વાત કરતાં યુવતીએ સમગ્ર હકિકત જણાવી હતી. તેમજ યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.