Ahmedabad Chharodi Talav: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યૂટીફિકેશન પ્રૉજેક્ટ શરૂ કર્યો છે, આ અંતર્ગત કેટલાય તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના છારોડી નજીક આવેલા છારોડી તળાવની હાલત જોઇને કહી શકાય છે કે, સરકારનો આ પ્રૉજેક્ટ અહીં નિષ્ફળ ગયો છે, કેમ કે આઠ મહિના પહેલા જ લોકાર્પણ થયેલું આ છારોડી તળાવ અત્યારે એકદમ સુકુ ભઠ હાલતમાં દેખાઇ રહ્યું છે. 




અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે, તંત્ર દ્વારા લેક બ્યૂટીફિકેશનનો પ્રૉગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ છારોડ તળાવમાં આ લેક બ્યૂટીફિકેશન પ્રૉગ્રામની ધજ્જીયાં ઉડી છે. ખાસ વાત છે કે સરકારના તળાવોના બ્યૂટીફિકેશન બાદ તેમના રાખરખાવ અને સમારકામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હાલમાં જ 35 કરોડ લિટર જેટલું પાણી ભરેલું આ છારોડી તળાવ અત્યારે લગભગ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, આ છારોડી તળાવનું લોકાર્પણ આઠ મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ, એટલે કે લોકાર્પણના આઠ જ મહિનામાં તળાવ લગભગ સૂકું ભઠ્ઠ થયું હોવાની સ્થિતિમાં છે. હાલમાં અહીં પાણીનું સ્તર ઘટતાં એકવા સાઇકલ પણ કાઢી લેવાઈ છે. આ છારોડી તળાવમાં લેક બ્યૂટીફિકેશનના પ્રૉગ્રામ અંતર્ગત તળાવના બ્યૂટીફિકેશન માટે 5 કરોડથી વધુનો ખર્ચ પણ થયો હતો, પરંતુ અત્યારે હાલત એકદમ ખરાબ છે. 


અમદાવાદના આ રૉડ પર અવરજવર બંધ, બે મહિના માટે AMCએ બંધ કર્યો


અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રૉડ અને રસ્તાઓ પર જુદાજુદા કામો ચાલી રહ્યાં છે, આ અંતર્ગત હવે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને વધુ એક રૉડને બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. એએમસીએ બે મહિના સુધી શહેરમાં આવેલા આલ્ફા વન મૉલની પાછળના 132 ફૂટ રિંગ રૉડ તરફ જતા રોડ 19 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આ રૉડ હવે આગામી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં હાલમાં જુદીજુદી જગ્યાઓ પર રિપેરિંગ તથા અન્ય રીતના કામો ચાલી રહ્યાં છે. આવી વિવિધ જગ્યાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા પાણી અને ગટર લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે આવા કેટલાક રોડ બંધ કરવામાં આવ્યા છે. આમાં હવે ઉત્તર- પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફા વન મોલથી GMCD ગ્રાઉન્ડ થઈ 132 ફુટના રિંગ તરફ સુધીનો રોડ 19 ફેબ્રુઆરીથી 18 એપ્રિલ એમ બે મહિના સુધી કામગીરીના કારણે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે અનિવાર્ય સંજોગોને કારણે મુદત વિત્યા પછી પણ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રાખવી પડે તેવા સંજોગોમાં આ રોડ વધુ સમય માટે બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે. આલ્ફા વન મૉલની પાછળનો 132 ફૂટ રિંગ રોડ હાલમાં અવરજવર માટે બંધ રહેશે. અહીં પાણી અને ગટર  લાઈનની કામગીરીને કરવામા આવી રહી છે.