અમદાવાદમાં બોલિવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં મંગળવારે આશાસ્પદ શો કલ કે કરોડપતિની જાહેરાત કરવામાં આવી હતી. શોનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેક હોલ્ડર્સનો સમૃદ્ધ સમુદાય બનાવવાનો છે. નોંધનીય છે કે કલ કે કરોડપતિના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂ. 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.


કલ કે કરોડતિ એક અનોખો રિયાલિટી શો છે. એનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં અન્ય રાજ્યોમાં પણ એની સીઝન યોજાશે અને ત્યાંના સ્ટાર્ટઅપ્સને પણ ભંડોળ પૂરું પાડીને વિકસવાની તક પૂરી પાડવામાં આવશે.




આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું કલ કે કરોડપતિનું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી. તમામને નવ વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારોની પેનલ સમક્ષ પોતાના બિઝનેસની ખાસિયતો અને એના ઉજળા ભવિષ્યની રજૂઆત કરવાની તક પ્રદાન કરવામાં આવી હતી. એ માટે દરેકને ત્રણ મિનિટની લાઇવ પિચનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો. એમાંથી સફળ બિઝનેસ સ્ટાર્ટઅપ્સને વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારો પાસેથી રૂ. 15 કરોડના ઇનવેસ્ટમેન્ટ્સની ખાતરી મળી ચૂકી છે. ગુજરાતના આગવા વેપારી મિજાજ અને ઇનોવિટિવ બિઝનેસ કલ્ચરની એ આગવી સાબિતી છે. કલ કે કરોડપતિના લૉન્ચ નિમિત્તે પત્રકારોને સંબોધતાં વેન્ચર બિલ્ડરના મિલાપસિંહ જાડેજાએ શોના કોન્સેપ્ટમાં ભરપૂર શ્રદ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું હતું , "કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમ જ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવશે."




અભિનેતા તથા સફળ બિઝનેસમેન સુનીલ શેટ્ટીએ આ નિમિત્તે નવા વિચારોને અમલમાં મૂકવા અને આર્થિક વિકાસ માટે અનુકૂળ સહયોગી સમુદાયને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી શેટ્ટીએ જણાવ્યું હતું, "કલ કે કરોડપતિ સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોની સમૃદ્ધ ઇકોસિસ્ટમ કેળવવા માટે પ્રશંસનીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે, જેના મારફત આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. જેમાંના ઘણાં નવાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસો આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ માટે નોંધપાત્ર સફળતાનો માર્ગ તૈયાર કરશે, પરિણામે રોજગારની વિશાળ તકોનું સર્જન થશે. "


કલ કે કરોડપતિ પહેલ ટેક્નોલોજી, શિક્ષણ, ટ્રાવેલ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રે નવી તકોનું સર્જ ઉપરાંત રોકાણોની સુવિધા પ્રદાન કરતા આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા તૈયાર છે.


આઈરોલર મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ પટેલ છે. આ નિમિત્તે એમણે પણ શોની નોંધપાત્ર સફળતા વિશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




શોના અસોસિયેટ પ્રોડ્યુસર અલકા ગોર છે. તેમણે પણ શોની ગુણવત્તા તેમ જ સફળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, "ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે."


કલ કે કરોડપતિ ટૂંક સમયમાં અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ પણ માણવા મળશે. એની આગામી સીઝનમાં વધુ બિઝનેસોને પણ જોડાવાની અને રોકાણ મેળવીને વિકસવાની તક ઉપલબ્ધ થશે.