Ahmedabad:  બળાત્કારી આસારામના પુત્ર નારાયણ સાંઇને ગુજરાત હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નારાયણ સાંઈને જામીન આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. પિતા આસારામ જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે પિતાની સેવા માટે જામીન આપવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.


જો કે, હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા જ નારાયણ સાંઈએ અરજી પરત ખેંચી લીધી હતી. પુરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે નારાયણ સાંઇને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે અગાઉ નારાયણ સાંઇએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. નારાયણ સાંઇ કોર્ટની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે. યોગ્ય દસ્તાવેજો અને તેની ચકાસણી જરૂરી છે.


અગાઉ નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા. જેને લઈ હાઈકોર્ટે આજે ટિપ્પણી કરી હતી કે, નારાયણ સાંઈ કોર્ટ સમક્ષ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે. નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં હાલ સુરતની જેલમાં કેદ છે.  વર્ષ 2013માં આસારામ અને તેના પરિવારના કાળા કૃત્યોનો પર્દાફાશ થયો હતો. ત્યારપછી આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો.


જોધપુર પોલીસે આસારામની ઈન્દોરથી ધરપકડ કરી હતી


પીડિતાના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી જયાં તેમને કહેવામાં આવ્યું કે તેમની પુત્રીમાં દુષ્ટ આત્માઓ છે અને માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. પછી તેઓ તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા. તેણીએ આરોપ લગાવ્યો કે 15 ઓગસ્ટ 2013ના રોજ આસારામે તેની પુત્રીને પોતાની કુટિરમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. 20 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાના માતા-પિતાએ દિલ્હીમાં ઝીરો એફઆઈઆર નોંધાવી હતી અને બાદમાં કેસ જોધપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ મામલે જોધપુર પોલીસે 31 ઓગસ્ટના રોજ ઈન્દોરથી આસારામની ધરપકડ કરી હતી. આસારામને ઈન્દોર સ્થિત તેમના આશ્રમમાંથી જોધપુર લઈ જવામાં આવ્યા હતા.


ગુજરાતમાં પિતા-પુત્ર સામે બળાત્કારનો કેસ નોંધાયો


દરમિયાન 6 ઓક્ટોબર, 2013ના રોજ સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેણે આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતી પર પણ આરોપ લગાવ્યા હતા. મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 1997 થી 2006 દરમિયાન તે અમદાવાદના મોટેરા આશ્રમમાં રહેતી હતી ત્યારે આસારામ દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી૦. આ કેસમાં અન્ય સાત આરોપી પણ હતા.


નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી


પીડિતાની નાની બહેને આરોપ લગાવ્યો હતો કે 2002 થી 2005 વચ્ચે નારાયણ સાંઈએ તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો. નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતમાં અને આસારામ વિરુદ્ધ અમદાવાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ગુજરાતની એક કોર્ટે પીડિતાની નાની બહેન પર બળાત્કાર કરવા બદલ નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા ફટકારી હતી.