ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ બરાબર જામ્યો છે ત્યારે અમદાવાદમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. બીજી તરફ આજે સુરત, મહેસાણા,ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં  પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. વરસાદના કારણે સર્જાતી સ્થિતીને પહોંચી વળવા શું પગલાં લેવાં તે માટે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને પરિસ્થિતિને પહોંચી વળવા અંગે સમીક્ષા કરી હતી.