મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે તો મહિસાગર, ખેડા, સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, અમદાવાદમાં પણ ભારે વરસાદી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધીનગર, મોરબી, કચ્છમાં આખો દિવસ વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારની મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારે પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે. રવિવારે અમદાવાદ જિલ્લોના સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાણંદ તાલુકાના શેલા, સનાથલ, ચાંગોદર, મોડાસર, માણકોલ, રેથલ, ચરલ, ઝોલાપુર, ખોરજ, છારોડી, ઈયાવા,ગોધાવી, મનીપુર સહીતના ગામોમાં ભાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે હાઇવે પર વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી થતાં મુશ્કેલી સર્જાઈ રહી છે.