અમદાવાદઃ શિવરંજની ચાર રસ્તા નજીક મોડી રાત્રે હિટ એંડ રનની ઘટના બની હતી. પૂરઝડપે દોડી આવેલી GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો હતો. તો જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ, બાબુભાઈ ભાભોરને ઈજાઓ પહોંચી હતી. જોકે, આ અકસ્માત પછી અકસ્માત સર્જનાત શૈલેષ શાહ સહિત તેનો આખો પરિવાર ગાયબ છે. 


શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન કેસમાં સંદિગ્ધ શૈલેષ શાહના ઘરે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. શૈલેષ શાહના ઘરે તાળું અને ઘરમાં કોઈ હાજર નહીં. સિદ્ધગીરી એપાર્ટમેન્ટના રહીશો પણ શૈલેષ શાહ વિશે કશું જ કહેવા તૈયાર નહિ.  સિદ્ધગીરી એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ ભીમ બહાદુર પાસેથી એબીપી અસ્મિતાએ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. શેલેષ શાહ વિશે પૂછતા જ સિક્યુરિટી ગાર્ડે ચાલતી પકડી હતી. 


એબીપી અસ્મિતા સંવાદદાતાએ સિક્યુરિટી ગાર્ડને ફરીથી પૂછવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડના કહેવા પ્રમાણે , શૈલેષ શાહ સવારે સવારે કામ પર નીકળે છે, સાંજે સાત વાગ્યા આસપાસ ઘરે પરત ફરે છે. ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે રાઉન્ડ મારવા માટે નીકળ્યા બાદ પરત ફર્યા નથી. શૈલેષ શાહના પરિવારમા તેમના પત્ની, એક દીકરો અને એક દીકરી હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન છે. 


સવારે પોલીસે આવી અને પૂછપરછ કરતા આવી ઘટના બની હોવાની બાબત જાણવામાં આવી હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન. સોસાયટી નો વહીવટ સંભાળનાર અને સોસાયટીના સીસીટીવી બાબતની જાણકારી રાખનાર છોટાલાલ પણ ઘરે હાજર નહીં હોવાનું સિક્યુરિટી ગાર્ડનું કથન છે. 


ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બાળકોને નાના-મોટી ઈજાઓ થતા શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ તરફ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.


હાલ એન ડિવીઝને ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એંડ રનની ઘટના અંગે 108ને જાણ કરનારા સુજન ઠક્કરે એબીપી અસ્મિતા સમક્ષ કહ્યું કે ઘટના રાત્રીના સવા બારથી સાડા બાર વાગ્યાની આસપાસની છે. ઘટનાની થોડી ક્ષણોમાં જ તે ત્યાં પહોંચ્યા હતાં.


સુજન ઠક્કરના મતે બે કાર હતી. એક અકસ્માત સર્જનાર આઈ ટવેન્ટી કાર હતી. તો બીજી કાર ક્રેટા હતી. બન્ને કાર ચાલકોએ રેસ લગાવી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે. આટલું જ નહીં આઈ ટવેન્ટી કારમાં ચાર લોકો સવાર હતાં. જે અકસ્માતની ઘટના બાદ લોકોના મારથી બચવા અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયા હતાં.


આ ઘટના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે ક્યારે અટકશે રફતારનો કહેર. રાત્રી કર્ફ્યુના સમયમાં આ બની તો પોલીસ શું કરી રહી હતી. અકસ્માતની ઘટનાને આઠથી દસ કલાકનો સમય વિતી ગયો છતા હજુ સુધી કેમ પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અમદાવાદ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે તો કેમ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.


Gj01ru8964 નંબરની કાર થકી થયેલા અકસ્માતનો મામલે વધુ વિગતો એવી સામે આવી છે કે, આ નંબરની કારના ૫૩૦૦ રૂપિયામા ઈ મેમો પણ ભરવામાં બાકી છે. વર્ષ ૨૦૧૭થી એક પણ ઈ ચલણની નથી કરી ભરપાઈ.બીઆરટીએસ રૂટમાં જોખમી ડ્રાઈવિંગ અને રેડલાઈટ વાયોલેન્સનો ભંગ કર્યો છે. કુલ ૧૦ ઈ ચલણની ભરપાઈ બાકી છે.