અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ રસીકરણ મહાભિયાન હાથ ધરાયું હતું. જોકે, થોડા જ દિવસોમાં રસીની અછત સર્જાવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કોરોના રસીકરણને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. 


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરી રહ્યા છે. સરકાર હવે નૌટંકી છોડે અને રસીકરણ પર ધ્યાન આપે.



રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વેક્સિનની અછતના કારણે જનતાને હાલાકી વેઠવી પડી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદની વાત કરીએ તો અહીં આજે પાંચમા દિવસે પણ રસીની અછત યથાવત રહી છે. જેના કારણે આજે 70 કેંદ્રો પર જ રસી આપવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી એક માત્ર વિકલ્પ છે. આવી સ્થિતિમાં સરકાર પાસે રસીનો સ્ટોક જ ઉપલબ્ધ નથી.


હવે તો રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ બંધ થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી કોવિન પોર્ટલ પર રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી. સોમવારે સાંજે પાંચ કલાકે અમદાવાદમાં કોવિશીલ્ડ રસીનો એક પણ ડોઝ બચ્યો ન હતો. મંગળવારે શહેરમાં ફકત 70 રસી કેન્દ્રો ઉપર 28 હજાર લોકોને જ રસી આપી શકાશે. સોમવાર સાંજે ગાંધીનગરથી પાંચ વાગ્યે રસીનો સ્ટોક આવ્યો હતો.


અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 400 રસી કેન્દ્રો ઉપર કુલ 81 હજાર લોકોને રસી આપી હતી. સોમવાર મોડી સાંજે અમદાવાદ મ્યુનિ.ને કોવિશીલ્ડ 22 હજાર અને કોવેક્સિન 6 હજાર ડોઝ મળ્યા હતા. મ્યુનિ.ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સેન્ટ્રલ સ્ટોર પાસે રસીનો ચાર દિવસનો એડવાન્સ સ્ટોક રહેતો હતો, પણ હવે ગાંધીનગરથી રોજેરોજનો સ્ટોક આવી રહ્યો છે.


એક લાખ રસીની માગણી સામે સોમવારે ફકત 28 હજાર રસી આપી હતી. મહાઅભિયાન શરૂ થયાના ચાર દિવસમાં જ રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે. રસીની અછતના કારણે અનેક કેંદ્રો પર લોકોને રસી લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું.









નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 96 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 315 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3465 છે. જે પૈકી 14 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 315 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,09,821 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ


અમદાવાદ કોર્પોરેશનમાં 21 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 3 અને વડોદરામાં 6 કેસ, નવસારમાં 2 અને વલસાડમાં 3 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ, ખેડામાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 6 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ નોંધાયા હતા. તે સિવાય ભરૂચ, મહિસાગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 15 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય અમદાવાદ કોર્પોરેશન, બોટાદ, અને પોરબંદરમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.