અમદાવાદઃ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને ચાંદખેડામાં નોકરી કરતા પુરૂષનું ત્રણ વ્યક્તિઓએ અપહરણ કરી ગાંધીનગર પાસે લઇ જઇ માર માર્યો હતો. શેરબજારમાં પૈસાની લેવડદેવડમાં થયેલા અપહરણમાં પુરૂષને માર મારીને તેની પાસેથી પાંચ ચેક પર સહી કરાવી લીધી હતી.
અપહરણકારોએ અપહરણ કર્યાની પત્નીને ફોન કર્યો હતો. પત્નિએ સામે ચીમકી આપી હતી કે, મારા પતિ આજે ઘરે નહીં આવે તો હું આત્મહત્યા કરીશ અને તમારાં બધાનાં નામ લખાવી દઇશ.
આ ધમકીથી ડરેલા અપહરણકારોએ પતિને છોડી મૂકયો હતો. જો કે પતિને છોડી મૂક્યા બાદ પણ પૈસા આપવા ફરી ધમકી આપતાં પત્નીની તબિયત બગડી જતાં હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ન્યુ રાણીપ આશ્રય 9 ફ્લેટમાં રહેતા અને ચાંદખેડામાં નોકરી કરતા હસમુખભાઈ પટેલને માર્કેટિંગ કામ બાબતે તલોદના ધવલ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આ ઉપરાંત શેરબજારનું કામકાજ કરતા વૈભવ ગોસ્વામી સાથે ઓળખાણ થઈ હતી. તેમના મારફતે ગાંધીનગરના ગિરિરાજ સિંહ વાઘેલા અને તલોદના મહેશ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તેમના કહેવાથી શેરબજારનું કામકાજ શરૂ કર્યું હતું પણ તેમાં ખોટ પડતાં હસમુખભાઈએ એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. એ વખતે ગિરિરાજ સિંહ વાઘેલાને રૂપિયા 11 લાખ આપવાના થતા હતા.
મહેશ પટેલે ગયા સપ્તાહે હસમુખભાઈ પટેલને ફોન કરીને ચાંદખેડા માનસરોવર રોડ પર આવવા કહ્યું હતું. હસમુખભાઈ ત્યાં પહોંચતાં કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. આ પૈકી મહેશ પટેલ અને ગિરિરાજ સિંહ વાઘેલાએ પોતાની ઓળખાણ આપી રૂપિયા 11 લાખ આપવાની માંગ કરીને ગાળાગાળી કરી હતી. એ લોકો હસમુખભાઈને ગાડીમાં બેસાડી ગાંધીનગર સરગાસણ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં માર મારી હસમુખભાઈ પાસે રહેલા કેટલાક ચેક લઈ લીધા હતા. એ પછી હસમુખભાઈને પત્નીને ફોન કરવા કહ્યું હતું.
હસમુખભાઈએ તેમની પત્નીને ફોન કરી ને કહ્યું હતું કે, હું આજે ઘરે પાછો નહિ આવું. એ જ વખતે હસમુખ ભાઈના ઘરે પહોંચેલા તેમના મિત્રોએ અપહરણનો વિડીયો પત્નીને બતાવ્યો હતો. પત્નિએ અપહરણકારોને ધમકી આપી હતી કે, મારા પતિ આજે ઘરે નહીં આવે તો હું ઉપરથી નીચે પડી આત્મહત્યા કરી લઈશ અને તમારું નામ લખાવી દઈશ.
આ ધમકીથી ગભરાયેલા ગિરિરાજસિંહ અને મહેશ પટેલે હસમુખભાઈને છોડી મુક્યા હતા. આ ઘટના બાદ ગીરીરાજસિંહે ફરી ધમકી આપતા હસમુખભાઈની પત્નીની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રજા બાદ હસમુખભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.