અમદાવાદ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈ આજે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. મુંબઈના બાંદ્રા કુરલા કોમ્પ્લેક્ષથી શરૂ થનારી બુલેટ ટ્રેનનું 35 થી 40 ટકા કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનનો મુદ્દો આજે પણ પડકારજનક હોવાનું અચલ ખરેએ સ્વીકાર્યું છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.
સાબરમતી ખાતે પ્રધાનમંત્રીએ શિલાન્યાસ કરેલી બુલેટ ટ્રેન માટે વિશાળ ડેપો બનાવાશે. સરસપુર રેલવે યાર્ડ અને કાલુપર રેલવે સ્ટેશન વચ્ચે બની રહેલા બુલેટના ડેપો માટે સ્ટેશનની અનેક સુવિધાઓમાં પણ બદલાવ લાવવા પડશે.
સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટ વર્ષ 2023માં પૂર્ણ થશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે.