અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં  છેલ્લા 24 કલાકમાં 151 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1652 પોઝિટીવ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ ગંભીર બનશે.


નેહરાએ કહ્યુ કે, અગાઉ ત્રણ  દિવસમાં કેસ બમણા થતા હતા પરંતુ હાલમાં બમણા થવાનો રેટ ચાર દિવસનો છે. જો આ ગતિએ કેસ બમણા થતા રહેશે તો 15 મે સુધીમાં 50 હજાર કોરોનાના કેસ નોંધાશે  જ્યારે 31 મે સુધીમાં આઠ લાખ કોરોનાના કેસ નોંધાય તેવી સંભાવના છે.

તેમણે કહ્યું કે, આગામી સમયમાં આપણે બમણા કેસ થવાનો રેટ આઠ દિવસનો કરવાનો છે. જો આઠ દિવસ બમણા થવાનો રેટ રહેશે તો 10થી 50 હજાર કેસ નોંધાશે. જ્યારે 10 દિવસ ડબલિંગ રેટ રાખીએ તો મે મહિનાના અંત સુધીમાં 25 હજાર કેસ નોંધાશે. અમારો પ્રયાસ સાતથી આઠ દિવસ કેસ ડબલ કરવાનો છે. આપણે મહેનત કરી છે તેનું ફળ આપણને મળશે.


નેહરાએ કહ્યું કે, લોકડાઉન છતાં દિલ્હી દરવાજા વિસ્તારમાં સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી રહી છે. કોઇ પણ વ્યક્તિને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા છે.  લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા નથી.