અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 8,900 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ માટે રૂપિયા 500થી રૂપિયા 700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂપિયા 300નો વેરા વધારો, ફ્લેટ, રો હાઉસ કે ટેર્નામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂપિયા 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂપિયા 3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે.

મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 35 બ્રિજ બનાવવામાં આવશે. જેમાં 15 રેલવે અંડર પાસ અથવા ઓવર બ્રિજ અને અન્ય 20 બ્રિજ બનાવાશે તેવી બજેટમાં રજૂ કરાયું હતું.

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાંય 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે.

દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇનનો મોડલ રોડ તેમજ વર્ષ 2022 સુધીમાં પીરાણા ડુંગરથી મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત આવતી સોસાયટીના રહીશોને 100 ટકા મિલકત વેરા માફી મળશે.