અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી તેજસ એક્સપ્રેસ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થશે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે. તેજસ ટ્રેનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે.

ટ્રેનની હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રેનમાં હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપી પહેરલી જોવા મળશે. આ ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવશે તેનો ટેસ્ટ ગુજરાતી અને મરાઠી હશે.

ગુજરાતી લુક, મરાઠી-ગુજરાતી ભોજનનો સ્વાદ અને આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ આ ટ્રેન સામાન્ય લોકો માટે 19મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ દોડશે. આ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ ફ્લાઈટમાં મળતી સુવિધાનો અનુભવ કરી શકશે.

આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. એટલે કે ટીકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે. તેજસ ટ્રેન એક અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટ પર એલસીડી સ્ક્રિન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે.

આ ટ્રેનમાં ટીકિટ તપાસવા માટે આઈઆરસીટીસીનો સ્ટાફ રહેશે. તેજસ ટ્રેનમાં ચેર કાર માટે 1300થી 1400 રૂપિયા ચાર્જ લેવાશે. જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2400 રૂપિયા રહેશે. આ ઉપરાંત પ્રથમ દિવસે જ તેજસ ટ્રેન હાઉસફુલ છે તેવું જાણવા મળ્યું છે.

તેજસ ટ્રેનને સમયસર દોડાવવા માટે 29 ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે IRCTCના અધિકારીઓ પણ અમદાવાદ આવી પહોચ્યાં છે.