Ahmedabad Municipal Corporation budget: રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વર્ષ 2025-26 માટે એક વિશાળ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા શરૂઆતમાં રૂ. 14001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લોક સૂચનો અને ભાજપના સત્તાધીશો દ્વારા કરાયેલા સુધારા અને વધારા સાથે આ બજેટ હવે રૂ. 15502 કરોડનું થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને આ સુધારેલું બજેટ રજૂ કર્યું છે.
આ નવા બજેટમાં કરદાતાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મોટી જાહેરાત એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાઓ માટે છે, જેમને હવે 12 ટકા રિબેટ મળશે. એટલું જ નહીં, જે કરદાતાઓએ છેલ્લા ત્રણ વર્ષથી સતત એડવાન્સ ટેક્સ ભર્યો છે, તેઓને કુલ 15 ટકા સુધીનો લાભ મળશે. આ 15 ટકા લાભમાં એડવાન્સ ટેક્સના 12 ટકા, ઓનલાઈન પેમેન્ટના 1 ટકા અને સળંગ એડવાન્સ ટેક્સ ભરવા બદલ વધારાના 2 ટકા રિબેટનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈનો પ્રોપર્ટી ટેક્સ રૂ. 100 હોય, તો જૂના નિયમ મુજબ એડવાન્સ ટેક્સ ભરવા પર રૂ. 10 (10 ટકા)ની રાહત મળતી હતી. પરંતુ નવા વેરા માળખા મુજબ, એડવાન્સ ટેક્સ ભરવા પર રૂ. 12 (12 ટકા)ની રાહત મળશે. અને જો કરદાતા સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરે છે, તો તેઓને ઓનલાઈન પેમેન્ટના 1 ટકા અને વધારાના 2 ટકા સહિત કુલ રૂ. 15 (15 ટકા) સુધીનો ફાયદો થશે.
આ ઉપરાંત, કોર્પોરેશનના 192 કોર્પોરેટરોના વાર્ષિક બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે વાર્ષિક રૂ. 40 લાખ થશે. તેમજ, વિવિધ કમિટીના ચેરમેનના બજેટમાં 10 લાખ રૂપિયાનો અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાં 5 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કોર્પોરેટરો અને કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનને તેમના વિસ્તારોમાં વિકાસના કામો વધુ સારી રીતે કરવા માટે મદદરૂપ થશે.
આ સુધારિત બજેટમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રોડ રસ્તા, પાણી, ગટર, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓમાં સુધારો કરવા પર ભાર મૂકવામાં આવશે. AMC દ્વારા રજૂ કરાયેલું આ વિશાળ બજેટ શહેરના વિકાસને નવી દિશા આપશે અને અમદાવાદને વધુ રહેવા યોગ્ય શહેર બનાવવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો...
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી