Ahmedabad: અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા એએમસી અને ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. ગરમીમાં વધારો થતા અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં છે. ગરમીથી રાહત માટે મણીનગર ચાર રસ્તા ખાતે લગાવવામાં સ્પ્રિક્લર આવ્યા છે. જેનાથી સિગ્નલમાં ઊભા રહેતા વાહનચાલકોને ગરમીથી રાહત મળશે.


અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં એક મિનિટમાં 30 સેકન્ડ પાણીના ફુવારા વાહનચાલકો ઉપર પડશે અને આપોઆપ 30 સેકન્ડ બાદ બંધ થશે. સ્માર્ટ સિટી હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની બાજુમાં કનેક્શન લગાવવામાં આવ્યા છે. પ્રશાસનનું આયોજન છે કે આ પ્રોજેક્ટ સફળ નીવડશે તો આગામી સમયમાં અન્ય દસ સિગ્નલ ઉપર આ પ્રકારના સ્પ્રિકલર લગાવવાની કામગીરી કરવામાં આવશે.


હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવ પછી માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.


રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.


તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટ વેવ મોજું યથાવત છે. IMDના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી વધુ વધશે.


તેલંગાણા અને ઉત્તર તમિલનાડુના ઘણા ભાગો, કેરળના અલગ ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 12 એપ્રિલ સુધી આકાશ સ્વચ્છ રહેશે. 13મી એપ્રિલે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે