Latest Ahmeadabd News: શહેરમાં હોટલ કે રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નિકળવાની ઘટના હવે શહેરીજનો માટે નવી નથી.  અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. સાંભારમાંથી વંદો નીકળ્યો હતો.  હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.


હજુ એક દિવસ પહેલા જ પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં  રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. ફરિયાદ અનુસાર, અમદાવાદનાં  મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં  નગરસેવક ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇડળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો. સંચાલકે કહ્યું કે, લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા


ઉપરાંત કાંકરિયા તળાવ પરિસરમાં આવેલા ખાણીપીણી બજારમાં પિત્ઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નિકળવાની ઘટના સામે આવી હતી.  ભાજપના પૂર્વ કોર્પોરેટર મેરેજ એનિવર્સરીને લઈ પરિવાર સાથે ફરવા ગયા હતા, ત્યારે પિત્ઝા અને સોસમાંથી જીવાત નિકળી હતી. ઘટનાના 10 દિવસ બાદ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ રાણાની  મેરેજ એનિવર્સરી હોવાથી તે પરિવાર સાથે કાંકરિયા તળાવ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યારબાદ કાંકરિયા પરિસરમાં જ આવેલા ખાણીપીણી બજારમાં તેઓ નાસ્તો કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મનપસંદ પિત્ઝા નામની દુકાન પર જઈને વડાપાઉ, પિત્ઝા સહિતની વસ્તુઓનો ઓર્ડર કર્યો હતો. તેમનો ઓર્ડર આવ્યા બાદ તેમણે પિત્ઝામાં જોતા કીડા જોવા મળ્યા હતા. ઉપરાંત ટેબલ પર મુકવામાં આવેલી સોસની બોટલમાંથી સોસ કાઢીને જોતા તેમાં પણ કીડા જોવા મળ્યા હતા.