Ahmedabad News: થર્ટી ફર્સ્ટ પહેલા જ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરના નવા કિમીયોનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ પ્રિવેન્શન ઓફ ક્રાઈમબ્રાંચને માહિતી મળી હતી કે બાવળાથી પસાર થતા ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે બાવળા પોલીસને સાથે રાખી બાવળા નજીકથી પસાર થતા ટેન્કરને રોક્યુ હતું. ટેન્કરની તપાસ કરતા ટેન્કરની અંદરથી 400 વિદેશી દારૂની બોટલનો જથ્થો હાથ લાગ્યો હતો.
ટેન્કરની ઉપર સલ્ફ્યુરિક એસિડ લખવામાં આવ્યું હતુ પરંતુ પોલીસે ટેન્કરની અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેણે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો ઉદયપુરથી લવાયો હતો. પોલીસે દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણે મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.