Ahmedabad News:  અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.




મળતી જાણકારી અનુસાર, રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્ર તથા ભત્રીજા પર દિપક મરાઠી સહિત 4 શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિજયશંકર અને બંસીલાલનું કરુણ મોત થઈ ગયું હતું. સોસાયટીમાં રહીશો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં જ પિતા-પુત્રની હત્યા કરીને ખૂની ખેલ ખેલાયો હતો.




40 વર્ષીય શીલાબેન વિજયશંકર રાજપુતે રામોલ પોલીસ સ્ટેશનમાં દીપક પીન્ટુ મરાઠી, દિપક પટેલ, બંટી અને મયુર મરાઠી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. શીલાબેનના પતિ વિજયશંકર રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા હતા જ્યાં તેમની મોડીરાતે હત્યા કરી દેવામાં આવી હતી.


ફરિયાદ અનુસાર, દિપક મરાઠી, દિપક પટેલ અને તેની સાથે આવેલા બંટી તેમજ મયુર મરાઠીએ બે દિવસ જૂની બબાલને યાદ કરીને વિજયશંકર અને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. વિજયસિંહને પણ ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ વિજયશંકર રાજપુત અને તેમના પુત્ર બંસીલાલને મૃત જાહેર કર્યા હતા. હત્યાની જાણ થતા રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શીલાબેનની ફરિયાદના આધારે દિપક પટેલ, દિપક મરાઠી, બંટી અને મયુર મરાઠી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.


શહેરના મેઘાણીનગરમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ વાહનમાં આગ લગાવી હતી. દિવાળીનાં તહેવારમાં ફટાકડાની આડમાં બાઇકમાં આગ લગાડી હતી. બાઇકને આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે શખ્સ વાહન પાસે આવે છે અને બાદમાં આગ લગાવે છે.જેના કારણે આગ ભભૂકી ઉઠે છે.


રાજકોટમાં પણ દિવાળીની રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. પાંજરાપોળ જૂના ડેલા પાસે યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો..જેમાં ઇજાગ્રસ્ત યુવક સાગર ગઢવીની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલો કરનાર ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ અને બી-ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ છે.